ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓએ શપથગ્રહણ કરી લીધા છે. સાથે જ તમામ મંત્રીઓએ કાર્યભાર પણ સંભાળી લીધો છે. આગામી મંગળવારે વિધાનસભાનું એક દિવસિય સત્ર યોજાવા જઈ રહ્યું છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી થઈ ગયું છે. જ્યારે વિધાનસભા ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ નક્કી કરવામાં આવ્યું છે.
ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી કરાયું છે. જ્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ નક્કી કરાયું હોવાની માહિતી મળી રહી છે. મંગળવારે એક દિવસીય સત્ર દરમિયાન અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે. આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182 બેઠકોમાંથી 156 બેઠકો પર પ્રચંડ જીત મેળવી હતી. ગાંધીનગરમાં નવા સચિવાલય પાસેના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ગત સોમવારે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. સાથે જ ગુજરાત સરકારના મંત્રીઓએ પણ શપથ લીધા હતા. મંત્રીઓને ખાતાની વહેંચણી થયા બાદ વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ લઇને ઘણા નામો ચર્ચાઇ રહ્યા છે.