મોદી સરકાર અને કોર્ટના કોલેજીયમ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે, જજોની નિયુક્તિને લઈને કોલેજીયમ જે નામ જજ માટે સરકારને મોકલે સરકાર તેને પરત મોકલી દે છે. આ મુદ્દે સરકારે સંસદમાં જણાવ્યું છે કે આવું કેમ થઈ રહ્યું છે. આ મુદ્દે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુએ જવાબ આપતા કહ્યું કે આ મુદ્દા પર આખા દેશે ચિંતા કરવાની જરૂર છે. મને પણ ચિંતા થાય છે કે દેશમાં પાંચ કરોડ જેટલા કેસ વેઈટિંગમાં છે. તમે સમજી શકો છો કે સામાન્ય માણસ પર શું વિતતી હશે. આનું મૂળ કારણ છે જજોની નિયુક્તિ અને ખાલી વેકેનસી.
મંત્રીએ કહ્યું કે વર્ષ 2015માં લોકસભા અને રાજ્યસભામાં જજોની નિયુક્તિને લઈને એક કમિશનને લઈને કાયદો પસાર કરવામાં આવ્યો હતો અને મોટા ભાગના રાજ્યો પણ સહમત થયા હતા. આ દેશ બંધારણ અને દેશની ભાવનાથી ચાલે છે. અત્યારે સરકાર પાસે સીમિત અધિકાર છે, જે નામ કોલેજીયમ દ્વારા નક્કી કરીને મોકલવામાં આવે છે તેના પર ફેસલો લઈ શકાય છે. અમારા પાસે અધિકાર નથી કે અમે કોઈ નામ આપી શકીએ, અમે વારંવાર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસને કહીએ છે કે નામ મોકલો, નામ મોકલો. તેમણે કહ્યું કે ક્યાંકને ક્યાંક મને લાગે છે કે દેશની ભાવના અનુસાર કામ કરવામાં આવી રહ્યું નથી. સરકાર સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે પણ જ્યાં સુધી નિયુક્તિને લઈને કોઈ નવી વ્યવસ્થા ઊભી ના થઈ જાય ત્યાં સુધી આવા પ્રકારના સવાલો ઊભા થતાં જ રહેશે.