ભારતીય કિસાન સંઘ આજે રાજધાની દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને પંજાબ સહિત દેશના અન્ય રાજ્યોના ખેડૂતો રેલીમાં સામેલ થવાના છે. આયોજકોના જણાવ્યા અનુસાર, રેલીમાં 700 થી 800 બસો દ્વારા આશરે 50,000 થી 55,000 લોકો અને ખાનગી વાહનો દ્વારા 3,500 થી 4,000 લોકો ભાગ લે તેવી ધારણાઓ કરવામાં આવી હતી.
ભારતીય કિસાન સંઘ ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે આ રેલી કાઢી રહ્યું છે, જેમાં કેટલીક માંગણીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. ભારતીય કિસાન સંઘના જણાવ્યા અનુસાર, જે ખેડૂતો ફળો, અનાજ, દૂધ, શાકભાજી વગેરે પૂરા પાડે છે તેઓ તેમની ખેત પેદાશોના પૂરતા ભાવ ન મળવાથી નારાજ છે. સંઘનું કહેવું છે કે આના કારણે અત્યાર સુધી ઘણા ખેડૂતોએ આત્મહત્યા કરી છે.આજની રેલીમાં ભારતીય ખેડૂતો જે માંગણીનો ઉલ્લેખ કરશે તેમાંની એક માંગ એ છે કે તમામ કૃષિ પેદાશોને યોગ્ય ભાવ મળવો જોઈએ. તેમજ આના પર કોઈપણ રીતે GST લાદવો જોઈએ નહીં. આ સાથે કિસાન સન્માન નિધિ હેઠળ આપવામાં આવતી આર્થિક સહાયમાં પણ વધારો થવો જોઈએ
આજે દેશભરમાંથી રામલીલા મેદાનમાં એકત્ર થઈ રહેલા ખેડૂતોને લઈને દિલ્હી ટ્રાફિક પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. રેલીને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રાફિક પોલીસે એક દિવસ પહેલા એડવાઈઝરી જારી કરી હતી. ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે મિન્ટો રોડથી કમલા માર્કેટ ગોલચક્કર, દિલ્હી ગેટથી ગુરુ નાનક ચોક તરફ ટ્રાફિક પ્રતિબંધ અથવા રૂટ ડાયવર્ટ કરી શકાય છે. મહારાજા રણજીત સિંહ માર્ગ, મિન્ટો રોડ, અજમેરી ગેટ, ચમન લાલ માર્ગ, દિલ્હી ગેટ, જેએલએન માર્ગ, પહાડગંજ ચોકને આ માર્ગોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.