આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ, રવિવારે AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું હતું. આ સંમેલનમાં તેમણે પક્ષના કાર્યકરો અને પદાધિકારીઓને સંબોધીને પાર્ટીના વિઝન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ 2027માં ગુજરાતમાં સરકાર બનાવશે.
સભા સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભારતને ઠીક કરવા માટે ભગવાને આમ આદમી પાર્ટીને પસંદ કરી છે. તેમણે દાવો કર્યો કે તેમણે છેલ્લા 5 થી 7 વર્ષમાં દિલ્હીમાં 12.30 લાખ લોકોને રોજગારી આપી છે. બીજી તરફ પંજાબની AAP સરકારે 21 હજાર લોકોને સરકારી નોકરીઓ આપી છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીએ બતાવ્યું છે કે બેરોજગારી અને મોંઘવારીનો ઉકેલ લાવી શકાય છે પરંતુ તેની પાછળ સારો ઈરાદો હોવો જોઈએ. તેમણે કહ્યું કે લોકો મને પૂછે છે કે આમ આદમી પાર્ટીનું વિઝન શું છે? પરંતુ મારું વિઝન આમ આદમી પાર્ટી માટે નહીં પરંતુ આ દેશ માટે શું છે? તેમણે કહ્યું કે આગામી 5 થી 10 વર્ષમાં આપણો દેશ ક્યાં હશે, અમે તેના વિશે વિચારીએ છીએ. પરંતુ આમ આદમી પાર્ટી આ દેશના વિઝનને પૂર્ણ કરવા માટે કામ કરશે. તેમણે કહ્યું કે અમે એવો દેશ ઈચ્છીએ છીએ જ્યાં તમામ જાતિ અને ધર્મના લોકો વચ્ચે પ્રેમ અને લાગણી હોય. જાતિ અને ધર્મના નામે હિંસા ન થવી જોઈએ.