બોટાદમાં શિક્ષણજગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. શિક્ષણના ધામમાં લંપટ શિક્ષકે વિદ્યાર્થીની પર નજર બગાડી તેની છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. હાલ આ મામલે પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી તપાસ ધરી છે. તો શાળામાં વિદ્યાર્થિનીની છેડતીની ઘટનાને લઇ ગામ સહિત પંથકમાં ચકચાર સાથે શિક્ષક પર લોકો ફીટકારની લાગણી વરસાવી રહ્યા છે.
માહિતી અનુસાર, બોટાદના રાણપુરમાં આવેલી કન્યા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પાસે શાળાના જાવેદ ચુડેસરા નામના લંપટ શિક્ષકે બિભત્સ માંગણી કરીને છેડતી કરતા શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી વિધર્મી શિક્ષકની કરતૂતનો ભોગ બની રહેલી વિદ્યાર્થીનીએ તેના પરિવારને આ અંગે વાત કરતા આજે પરિવારજનો શાળા પર પહોંચતા સમગ્ર મામલાનો ભાંડાફોડ થયો હતો. રોષે ભરાયેલા વિદ્યાર્થીનીના પરિવારજનોએ શાળા પર હોબાળો મચાવ્યો હતો અને બાદમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
છેડતીને પગલે પરિવારે આરોપી શિક્ષક વિરુદ્ધ પોસ્કો અને છેડતીની ફરિયાદ નોંધાવી હતી અને લંપટ શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વિદ્યાર્થીનીના પરિવારની ફરિયાદને આધારે રાણપુર પોલીસે વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાના સમગ્ર જિલ્લામાં ઘેરા પડઘા પડ્યા છે. શિક્ષણ જગતને કલંકિત કરતી આ ઘટનાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. શિક્ષણના ધામમાં જ જો આવા હવસખોરો પડ્યા હોય તો દીકરીઓની સલામતીનું શું તે પણ એક મોટો સવાલ છે. આવા નરાધમ શિક્ષકોને કારણે દીકરીઓ શાળાએ જવામાં પણ સલામતી નહીં અનુભવે.