અમદાવાદમાં યોજાનારી અર્બન-20 લોગો-વેબસાઇટ-વેલકમ સોંગનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચીંગ કર્યુ, અમદાવાદમાં આગામી તા. 9-10 ફેબ્રુઆરીએ U-20 અંતર્ગત સિટી શેરપા મિટીંગ અને જુલાઇ-ર૦ર૩માં U-20 મેયર્સ સમિટ યોજાશે. અમદાવાદમાં યોજાનારી અર્બન-20 લોગો-વેબસાઇટ-વેલકમ સોંગનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચીંગ કર્યુ છે
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, G-20 દેશોના શહેરો-મહાનગરોના કલાયમેટ ચેન્જ, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ, એફોર્ડેબલ હાઉસીંગ અને સર્વગ્રાહી સામાજીક વિકાસના વિવિધ મુદ્દાઓ પર વૈચારિક આદાન-પ્રદાન માટે અર્બન-20 સાયકલ ગ્લોબલ પ્લેટફોર્મ પુરૂં પાડશે. વિઝનરી ગ્લોબલ લીડર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારતમાં યોજાનારી G-20 સમિટના ઉપલક્ષ્યમાં અમદાવાદને આંગણે યોજાનારા અર્બન-20 સમિટના લોગો તથા વેબસાઇટ અને સોશિયલ મિડીયા હેન્ડલ્સ તથા વેલકમ સોંગ લોન્ચીંગ અવસરે મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા હતા.
વસુધૈવ કુટુંબકમ-એક ધરતી, એક પરિવાર-એક ભવિષ્ય’ના વિષયવસ્તુ સાથેની આ G-20 સમિટથી વડાપ્રધાનએ વિશ્વ સમુદાયને ભારતીય સંસ્કૃતિ અને સદાચારનો પરિચય કરાવ્યો છે એમ પણ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું. તેમણે જણાવ્યું કે, શહેરી ક્ષેત્ર હોય કે ગ્રામીણ, આપણે એક પરિવાર ભાવથી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને લઇને વિકાસ રાહે આગળ વધ્યા છીયે. આ સંદર્ભમાં અમદાવાદમાં યોજાનારી U-20 સાયકલ વધુ પ્રસ્તુત બની રહેશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે, આવનારા સમયમાં શહેરી જનસંખ્યા વધતી જશે અને શહેરીકરણ વ્યાપક ફલક પર વિકસશે તેને ધ્યાનમાં રાખીને શહેરી ભવિષ્ય તથા જનસુખાકારીને વધુ સુવિધાપૂર્ણ-બહેતર બનાવવા આવી અર્બન સમિટની ચર્ચાઓ, બેસ્ટ પ્રેક્ટીસના આપસી આદાન-પ્રદાન અને એક્સપીરીયન્સ શેરિંગ મહત્વપૂર્ણ બની રહેશે
વર્લ્ડ હેરિટેજ સિટીની પ્રતિષ્ઠા ધરાવતા અમદાવાદ શહેરમાં પ્રાચીન અને અર્વાચીન એમ બેય ક્ષેત્રે શહેરી વિકાસ અને મોર્ડન અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચરનો સમન્વય છે તે આ સમિટમાં G-20 દેશોના પ્રતિનિધિઓ સમક્ષ ઊજાગર કરવાની નેમ પણ મુખ્યમંત્રીએ દર્શાવી હતી. ભારતના G-20 પ્રેસિડન્સી હેઠળ, અમદાવાદમાં U-20 સાયકલનું આયોજન કરાશે. સી-૪૦ (કલાઇમેટ ચેન્જ) અને યુનાઇટેડ સિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ્સ (UCLG), શહેરી મુદ્દાઓ પરના બે આંતરરાષ્ટ્રીય બિન-સરકારી હિમાયત જૂથો સાથે, અમદાવાદમાં ૯-૧૦ ફેબ્રુઆરી 20ર૩ના રોજ સિટી શેરપાની શરૂઆતની મીટિંગ, વિષયોની ચર્ચાઓ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે
G-20 દેશો ઉપરાંત, C40, UCLG સભ્ય શહેરો અને નિરીક્ષક શહેરોના મેયર અને પ્રતિનિધિઓ આ કાર્યક્રમોમાં ભાગ લેશે અને ચર્ચાઓને સમૃદ્ધ બનાવશે. ‘વસુધૈવ કુટુમ્બકમ-વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’ની ભારતની G-20 થીમ સાથે સુસંગત અમદાવાદમાં યોજાનારી U-20 શહેર સ્તરની ક્રિયાઓ એકબીજા સાથે જોડાયેલી અને આપણા સહિયારા ભવિષ્યને રેખાંકિત કરતા કાયમી હકારાત્મક વૈશ્વિક પરિણામો લાવી શકે છે તે બાબત પર કેન્દ્રીત હશે. આ અર્બન-20 સાયકલ જટિલ શહેરી મુદ્દાઓના સમાધાન માટે યોગ્ય નીતિ નિર્ધારણની દિશામાં રોડમેપ તૈયાર કરશે તથા સમિટમાં સહભાગી શહેરોની આકાંક્ષા પ્રતિબિંબિત કરશે. આ સંદર્ભનો એક દસ્તાવેજ U-20 સમિટના યજમાન શહેર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાશે