શહેર સહિત રાજ્યમાં રખડતા જાનવરોનાં કારણે લોકોનાં જીવ જોખમમાં મુકાયાનાં આપણે અનેક કિસ્સા જોયા છે. આવો જ અન્ય એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં શહેરનાં વેજલપુરનાં વિશાલા સર્કલ પાસે આવેલા અલમુકામ કોમ્પ્લેક્ષ નજીકનાં ખુલ્લા મેદાનમાં ગત શનિવારે આઠ વર્ષનાં બાળકને કૂતરાઓએ ઘેરી લીધો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં સારવાર દરમિયાન આ બાળકનું મોત નીપજ્યું છે. વેજલપુર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરીને તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, મેદાનમાં રમતાં નાનકડા આઠ વર્ષના બાળક પ્રકાશને છ જેટલા કૂતરાઓએ ઘેરીને શરીનાં અંગો પર બચકાં ભરી લીધા હતા. આ દરમિયાન આસપાસનાં સ્થાનિકો પણ આવી ગયા હતા અને કૂતરાંઓને ભગાડ્યા હતા. પરંતુ ત્યાર સુધી તેને ઘણી ઇજા પહોંચી હતી. જેના કારણે તેને તાત્કાલિક અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, આ ઘટના બાદ પરિવાર અને સ્થાનિકોમાં ભારે રોષ છવાયો છે.
2022માં કૂતરા કરડવાની 1.44 લાખ ઘટના

ગુજરાતમાં વર્ષ 2019માં 4.80 લાખ, 2020માં 4.31 લાખ, 2021માં 1.92 લાખ અને 2022માં 1.44 લાખ ઘટના નોંધાઇ છે. છેલ્લા ચાર વર્ષથી ગુજરાતમાં કૂતરા કરડવાની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે પરંતુ આ સમસ્યા ગંભીર છે. વર્ષ 2022માં નવેમ્બર સુધી કૂતરા કરડવાની ઘટના સૌથી વધુ નોંધાઇ હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે.





