મોબાઈલ અને કોમ્પ્યુટરનો ઉપયોગ ચિંતાજનક રીતે વધતા આંખોની બીમારી વધી રહી છે. હોસ્પિટલોમાં આંખના દર્દીઓની વધી રહેલ સંખ્યા તેનો પુરાવો છે. શહેરની પીએનઆર હોસ્પિટલના આંખના વિભાગમાં ૯૦ દિવસમાં ૧૮૯૩ દર્દીઓએ આંખની તપાસ કરાવી હતી.
શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી પીએનઆર હોસ્પિટલમાં અનેકવિધ આરોગ્ય સેવાઓ વિનામૂલ્ય અને રાહત દરે મળે છે. અહીં આંખના નિષ્ણાંત તબીબો દ્વારા નિદાન અને ઓપરેશન સુધીની સેવાનો લાભ લોકો લઈ રહ્યા છે. આંખના સર્જન ડો. રાજેન્દ્રસિંહ વાઘેલાના જાણવા મુજબ છેલ્લા ત્રણ મહિનામાં ૧૮૯૩ દર્દીઓએ અહીં નિદાનનો લાભ લીધો હતો. અહીં મોતિયાની સર્જરી વિનામૂલ્યે થાય છે અને તેનો ૪૭૧ દર્દીઓએ લાભ લીધો, તો ૭૭ દર્દીઓએ તદ્દન રાહત દરે આંખની છારી કઢાવવાનો પણ લાભ લીધો હતો. અહીં ડિસ્ટ્રીકટ બ્લાઈન્ડ નેશનલ કંટ્રોલ સોસાયટીના સહયોગથી નેત્રમણી પણ ફ્રીમાં મૂકવામાં આવે છે.
ડો. વાઘેલા ઉપરાંત ડો. પાયલ અરોરા, ડો. હર્ષા મહેશ્વરી સહિતના તબીબોની સેવા અહીં મળી રહે છે. આ તબીબોના અભિપ્રાય મુજબ મોબાઇલના કારણે આંખોને ખૂબ નુકસાન થતું હોય છે. લોકોએ ઓન સ્ક્રીન કેટલો સમય રહેવું તેની મર્યાદા નક્કી કરી લેવી જાેઈએ અને ખાસ કરીને બાળકોને નિશ્ચિત સમય પછી મોબાઈલથી દૂર રાખવા જરૂરી છે. બાળકોને ચશ્માના નંબર આવવાના કેસ પણ સતત વધી રહ્યા છે.