શિહોર તાલુકાના નાના સુરકા ગામમાં રહેતા યુવાન ઉપર ગામના બે શખ્સ સહિત છ શખ્સોએ લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી મોટર સાયકલ ઉપર તેનું અપહરણ કરી ચોગઠ નજીક પડતર જગ્યામાં ફેંકી દેતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ સિહોર તાલુકાના નાના સુરકા ગામમાં રહેતા હરેશભાઈ ભુપતભાઈ રાઠોડ (ઉ.વ.૩૮) ગઈકાલે તેના મિત્ર અજયભાઈ ઝીણાભાઈ રાઠોડ સાથે ગામની સીમમાં આવેલ ભગવાનભાઈ પટેલની વાડીમાં સંઘ જાેવા માટે જતા હતા તે દરમિયાન ગામમાં રહેતા મહેશ દેવરાજભાઈ રાઠોડ, વિજય ઉર્ફે અક્ષય હરજીભાઈ રાઠોડ અને ૪ અજાણ્યા ઈસમો એ ત્રણ મોટરસાઇકલમાં આવી, અગાઉ હરેશભાઈના ભત્રીજાને મોટરસાયકલ ભટકાડવા બાબતે મહેશભાઈ સાથે થયેલી માથાકૂટની દાઝ રાખી લોખંડનો પાઇપ અને લાકડાના ધોક વડે હુમલો કરી મોટરસાયકલ ઉપર બેસાડી પાલડીવાળા રોડ ઉપર થી નવાગામ, ત્યાંથી મગલાણા અને ઘાંઘળીવાળા રોડ પર લઈ જઈ ચોગઠ જવાના રોડ પર આવેલ પડતર જગ્યામાં ફેંકી દઈ ધમકી આપી ફરાર થઈ ગયા હતા.
હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત હરેશભાઈ ને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે પ્રથમ સિહોર અને ત્યારબાદ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે હરેશભાઈ રાઠોડ એ હુમલો કરનાર મહેશ રાઠોડ, વિજય રાઠોડ અને ચાર અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સોનગઢ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.