રાજ્યમાં હેલ્મેટનું કમબેક થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ચૂંટણી ગઈ અને ફરી હેલ્મેટ આવી તેમ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં થતા અકસ્માતો અને તેનાથી થતા અકાળે મૃત્યુને અટકાવવા માટે આગામી એક માસ બાદ સમગ્ર ગુજરાતમાં ટુ વ્હીલર ચલાવતા વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત બનાવવાનો નિર્ણય રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.
આજે ગાંધીનગર ખાતે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે દિલ્હી, રાજસ્થાન, હરિયાણા સહિત અન્ય રાજ્યોમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત છે જ્યારે ગુજરાતમાં હજુ સુધી શહેરી વિસ્તારમાં હેલ્મેટનો અમલ કરવામાં આવતો નથી. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા છેલ્લાં બે-ત્રણ વર્ષમાં ટુ વ્હીલર ચાલકને થયેલા અકસ્માત અને આવા અકસ્માતથી થયેલા મૃત્યુના આંકને જોતા મહદ્અંશે 35થી 40 ટકા મૃત્યુ હેલ્મેટ નહીં પહેરવાને કારણે બ્રેઇન હેમરેજ લઈને થયા હોવાનું બહાર આવ્યું છે. જેને લઈને રાજ્યના ગૃહ વિભાગને સામાન્ય માનવીની મહામૂલી જિંદગી બચાવવા આગામી એક માસ પછી ગુજરાતમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે.