ચીનમાં કોરોના બીએફ.૭ વેરિઅન્ટના કારણે સ્થિતિ દરરોજ કથળી રહી છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે, કોરોનાની પીક આ સપ્તાહે આવશે. લંડનની ગ્લોબલ હેલ્થ ઈન્ટેલિજન્સ કંપની એરફિનિટીએ કહ્યું કે આ સપ્તાહે એક દિવસમાં લગભગ ૩.૭ કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. રિપોર્ટ મુજબ ચીનમાં અત્યારે દૈનિક ૧૦ લાખ કેસ આવી રહ્યા છે અને ૫,૦૦૦ મોત થઈ રહ્યા છે.
જો કે, સરકારી આંકડામાં ગુરુવારે માત્ર ૪,૦૦૦ કેસ જ બતાવવામાં આવ્યા હતા. ચીનમાં મહામારીને પગલે હોસ્પિટલોમાં બેડ, વેન્ટિલેટર અને દવાઓ ખૂટી પડયાં છે તથા સ્મશાનોમાં પણ લાઈનો લાગી છે. હોસ્પિટલનો મોટાભાગનો સ્ટાફ ખુદ કોરોના સંક્રમિત બની ગયો છે. આવી હાલતમાં પણ ચીન સરકાર બીમારોને પણ કામ પર પાછા ફરવાની ફરજ પાડી રહી હોવાથી સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં ચીનનું અર્થતંત્ર લાંબા સમય સુધી ઠપ રહે તેમ હોવાથી અમેરિકાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે ચીનની હાલતની અસર વિશ્વભરનાં અર્થતંત્ર પર વર્તાશે.
એરફાઈનિટીના મહામારી વિશેષજ્ઞા ડો. લુઈઝ બ્લેઅરે આગાહી કરી છે કે ચીનમાં આગામી જાન્યુઆરીમાં કોરોના કેસોનો દૈનિક આંક ૩૭ લાખ અને આગામી માર્ચ સુધીમાં તે વધીને દૈનિક ૪૨ લાખને પાર જઈ શકે છે. તેના કારણે હજારો લોકોનાં મોત નીપજી શકે છે. ચીનમાં બીએફ ૭ વેરિએન્ટના કારણે મોટી સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે.જોકે, ચીન અસલી ડેટા છૂપાવી રહ્યું છે. તે રોજના ચાર હજાર કેસ જ નોંદાતા હોવાનું જણાવે છે જે અવિશ્સનીય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોએ ચીનના જુઠ્ઠાણાંને ઉઘાડું પાડી દીધું છે. આ દરમિયાન નિષ્ણાતોને મતે આગામી સપ્તાહમાં ચીનમાં પીક આવી શકે છે આ સંજોગોમાં ભારત સહિત દુનિયાભરના દેશોએ સાવધ રહેવાની જરુર છે.
બ્રિટનની હેલ્થ ડેટા ફર્મ એરફાઈનિટીના રિપોર્ટ અનુસાર CHINAમાં રોજ ના દસ લાખ લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને પાંચ હજાર મોતનો ડર છે. આવનારાં સપ્તાહમાં સ્થિતિ હજુ વણસી શકે છે. ચીનનાં અર્થતત્રમાં તેને લીધે સ્લોડાઉન આવશે જેની અસર વિશ્વભરનાં બજારો પર પડશે.
CHINAમાં લોકડાઉન દૂર કરાયા બાદ કોરોનાનો વિસ્ફોટ થયો છે. સરકાર દ્વારા એક પછી એક પગલાં ભરાઈ રહ્યાં છે. તેના કારણે લોકોમાં ભારે ગુસ્સો છે. ઝેઝિયાંગ, અનહૂઈ અને ચોંગકિંગ પ્રાંતમાં હળવાં લક્ષણો ધરાવનારા લોકોને પણ કામ પર હાજર થવાનો આદેશ અપાતાં રોષનો જુવાળ ફાટી નીકળ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર રોષ ઠાલવતાં લખી રહ્યા છે કે સરકાર માટે લોકોની જિંદગીની કિંમત કીડીમકોડા બરાબર છે. ચીનનાં ટ્વિટર જેવાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો પર સરકારની કોવિડ નીતિ સામે વિરોધને હેશટેગ સાથે ત્રણ કરોડથી વધુ પોસ્ટ થઈ હતી. તેના પર એક યૂઝરે લખ્યું હતું કે સરકારે ત્રણ વર્ષથી કોરોના સામે લડવા કોઈ નીતિ બનાવી નહીં. પછી અચાનક પ્રતિબંધો લાદી દીધા.
હવે જે લોકો બીમાર છે તેમને પણ કામ પર આવવા જણાવાઈ રહ્યું છે. આ સરકાર માટે નાગરિકોની જિંદગીની કિંમત કીડીમકોડા તૂલ્ય છે. અન્ય એક યૂઝરે કહ્યું હતું કે થોડા સમય પહેલાં કામ પર આવતા લોકોની ધરપકડ થતી હતી હવે બીમારોને કામ પર આવવા ફરજ પડાઈ રહી છે. આ પોસ્ટને હજારો લાઈક મળી છે. સોશિયલ મીડિયા પર બાળકો પોતાના બીમાર માં બાપ માટે દવા લઈ જતા હોય, કેટલાય લોકો હોસ્પિટલમાં મદદ માટે પહોંચ્યા હોય, દવાઓ પહોંચાડી રહ્યા હોય તેવા વીડિયો પણ વાયરલ થયા છે.
CHINA માં કોરોનાને લીધે હાલત બગડી રહી છે. હોસ્પિટલોમાં જગ્યા નહીં હોવાથી દર્દીઓને ફ્લોર પર સૂવડાવવા પડયા છે. સ્મશાનોમાં અંતિમવિધિ માટે પણ લાઈનો લાગી છે. હજુ આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસી શકે તેમ છે. ચીનમાં હોસ્પિટલમાં બેડસ, વેન્ટિલેટર અને દવાઓની કારમી તંગીઅનુભવાઈ રહી છે. આ ઉપરાંત ડોક્ટરો તથા પેરામેડિકલ સ્ટાફ પણ ઓછો પડી રહ્યો છે. હોસ્પિટલોમાં વધારે પ્રમાણમાં સંક્રમણ ફેલાયું હોવાથી કેટલોય સ્ટાફ પણ ચેપગ્રસ્ત બની ચૂક્યો છે. આ સંજોગોમાં તેઓ ઝડપથી કામ પર પાછા ફરી શકે તેવી સ્થિતિ પણ નથી રહી. આ સંજોગોમાં ચીનમાં આરોગ્ય નિષ્ણાતો લોકોને હોસ્પિટલમાં ભીડ ન કરવા અને ઘરે રહીને જ સારવાર લેવાની અપીલ કરી રહ્યા છે. દરમિયાન, વોશિંગ્ટનમાં અમેરિકામાં વિદેશ પ્રધાન એન્થોની બ્લિન્કેને જણાવ્યું હતું કે ચીન કોરોનાની વર્તમાન લહેરને નાથે તે અમેરિકાનાં પ્રગાઢ હિતો માટે બહુ જરુરી છે. વિશ્વનું બીજું સૌથી મોટું અર્થતંત્ર વાયરસના કારણે ઠપ રહે તેની ગંભીર અસરો થઈ શકે છે.