ગુજરાતમાં સાયબર ચાંચિયાઓનું મહાકૌભાંડ પકડવામાં સીઆઇડી ક્રાઈમના સાયબર સેલને સફળતા મળી છે. 1100થી વધુ લોકો સાથે 271 કરોડની ઓનલાઈન છેતરપીંડી કરવામાં આવી હતી. આ ગુનામાં કચ્છના પાંચ ભેજાબાજની ધરપકડ કરાઈ છે. દાની ડેટા નામની એપ્લીકેશનમાં રોકાણ કરી ગેરેન્ટેડ વળતર મેળવવાની લોભામણી સ્કીમ આપી કૌભાંડ આચરાયું હતું.
સીઆઇડી તરફથી અપાયેલી માહિતી મુજબ, પોલીસ અધિક્ષક બી.એમ.ટાંકના સુપરવિઝનથી પીઆઈ પી.એન.ખોખરાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પાલનપુરમાં આઇપીસી કલમ 406, 420, 120(બી) તથા આઇ.ટી. એક્ટ કલમ- 66(સી), 66(ડી) મુજબના ગુનાની તપાસ સંભાળી હતી. સૌ પ્રથમ એક ફરીયાદીએ તા. 26/05/2022 થી તા.31/05/2022 સુધીના સમયગાળા દરમ્યાન યુરોપીયન ફૂટબોલ ટીમોનાં સ્કોર દેખાડતી એક દાની ડેટા નામની એપ્લીકેશન પોતાના મોબાઇલનાં પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરેલ જે એપ્લીકેશનમાં રોકાણકારો દ્વારા કરવામાં આવતા રોકાણ ઉપર 0.75 ટકા નફા સાથે પૈસા પરત મળશે તેની 101 ટકા ગેરંટી આપવામાં આવતી હતી. જેથી તેમાં યુઝર આઇડી બનાવ્યું હતું અને યુપીઆઇ ઓપ્શન સીલેક્ટ કરી આ એપ્લીકેશનમાં રોકાણ કર્યું. ગત તા. 04/06/2022 નાં રોજ ફરિયાદીએ પોતાના કરેલ રોકાણનાં વળતર જોવા માટે આ એપ ઓપન કરવા પ્રયત્ન કરેલ પરંતુ ટેકનીકલ એરર આવેલ અને બાદમાં પ્લેસ્ટોર પર એપ્લીકેશન ડાઉનલોડ કરવા પ્રયત્ન કરતા સદર આ એપ્લીકેશન પ્લેસ્ટોર પરથી હટાવી લેવામાં આવી હોય તેવું જાણવા મળતા ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં ભોગ બનનાર વ્યક્તિઓની સંખ્યા તથા ગુનાનાં વ્યાપનાં અનુસંધાને તપાસ સી.આઇ.ડી. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, ગુજરાત રાજ્ય, ગાંધીનગરને સોંપવામાં આવેલ. તપાસ દરમ્યાન જાણવા મળેલ કે 1100 થી પણ વધુ વ્યક્તિઓ આ એપ્લીકેશનમાં રોકાણ કરી ગેરેન્ટેડ વળતર મેળવવાની લોભામણી લાલચનો ભોગ બન્યા છે.
તપાસમાં ખુલ્યું કે, અલગ અલગ સર્વીસ પ્રોવાઇડરો મારફતે નાણાનો પ્રવાહ અલગ અલગ બેંકનાં ખાતાઓમાં જતો હતો.
પેન્થર ટ્રેડિંગ નામની પાર્ટનરશીપ ધરાવતી ફર્મના એક્સિસ બેંકનાં ચાલુ ખાતામાં નાણા ગયેલા. આ એકાઉન્ટના સ્ટેટમેન્ટ તથા અન્ય દસ્તાવેજી પુરાવાઓ ચેક કરતા ત્રણ પાર્ટનરોનાં નામ મળી આવેલ અને રૂ. રૂ. 2,71,24,31,592 જમા થયેલા હોવાનું જણાય આવેલ જે અનુસંધાને સ્થળ તપાસ કરતા આવી કોઇ પાર્ટનરશીપ ફર્મ દર્શાવેલ સરનામે મળી આવેલ નહીં. જે પછી ઊંડાણપૂર્વક તપાસ કરી દિલિપ અમરસિંહ બાજીગર(પેન્થર કંપનીના પાર્ટનર) (રહે. 13, સેવાકુંજ ઝૂંપડપટ્ટી, આદીપુર, કચ્છ), દામજી બાબુ ચૌહાણ (પેન્થર કંપનીના પાર્ટનર) (રહે. પાંચવાડી, એસ.આર.સી.ના મકાનમાં, મેલડીમાતાના મંદીરની બાજુમાં, આદીપુર, કચ્છ), જયેશ મુળચંદભાઈ દેવાણી બનાવટી ખાતાઓ લાવનાર) રહે. 313, સપનાનગર, ગાંધીધામ, કચ્છ), હિતેશ હરીલાલ ચૌહાણ (બનાવટી ખાતાઓનો ઉપયોગ કરવા આપનાર) (રહે. મકાન નં.07, પહેલો માળ, વિનાયક સોસાયટી, આદીપુર કચ્છ), રમેશભાઈ ભરતભાઇ મહેશ્વરી (પેન્થર કંપનીની ઓફીસમાં બેંકનું તથા વહીવટી કામ કરનાર) (રહે. પ્લોટ નં. 179/180, સ્વામીનારાયણ નગર, સતાપર રોડ, અંજાર, કચ્છ)ની ધરપકડ કરી છે.






