અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર દ્વારા છોકરીઓના યુનિવર્સિટી શિક્ષણ પર મુકવામાં આવેલા પ્રતિબંધનો વિશ્વભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે, અફઘાનિસ્તાનની ઘણી યુનિવર્સિટીઓના છોકરાઓએ પણ પોતાના કલાસમાંથી બહાર આવીને તાલિબાનના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. અફઘાનિસ્તાનની યુનિવર્સિટીઓમાં ભણાવતા પ્રોફેસરો પણ વિદ્યાર્થીનીઓના ભણતરના સમર્થનમાં આગળ આવ્યા છે. કાબુલથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને સરકારના નિર્ણયનો વિરોધ કરતા જોઈ શકાય છે.
તાલિબાન દ્વારા મહિલાઓના શિક્ષણ પર લગાવવામાં આવેલા પ્રતિબંધનો અફઘાનિસ્તાનમાં ચોતરફ વિરોધ થઈ રહ્યો છે. અહીં, અફઘાનિસ્તાનની અલગ-અલગ યુનિવર્સિટીમાં ભણાવતા ૬૦થી વધારે પ્રોફેસરોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. આ સાથે જ મેલ સ્ટુડન્ટસ પણ પોતાની ફિમેલ કાઉન્ટરપાર્ટના સપોર્ટમાં આગળ આવ્યા છે. તેમનું કહેવું છે કે, અફઘાનિસ્તાનની સત્તા ભોગવી રહેલા તાલિબાનનો આ નિર્ણય મહિલાઓ સાથે ભેદભાવ કરનાર હોવાથી સરકારે તેને તાત્કાલિક પાછો લેવો જોઈએ.
કાબુલ યુનિવર્સિટીમાંથી રાજીનામું આપનાર પૂર્વ ફેકલ્ટી મેમ્બર અબ્દુલ્લા વારદકના જણાવ્યા અનુસાર, તેમની પાસે રાજીનામું આપ્યા સિવાય કોઈ વિકલ્પ નહતો. તેમણે વધુમાં જણાવ્યું કે, અસોસિયેટ પ્રોફેસર હોવાને નાતે તાલિબાનના આ નિર્ણયે તેમને આહત કર્યા છે. તેમણે કહ્યું કે, એક ફેકલ્ટી મેમ્બર તરીકે ૧૦થી વધુ વર્ષ સુધી કાર્યરત રહ્યા પછી પોતાના પદ પરથી રાજીનામું આપવું તેમની પાસે રહેલું અંતિમ પગલું હતું. યુએન સહિત, અમેરિકા, તુર્કી, ફ્રાંસ જેવા દેશો તાલિબાનના નિર્ણયનો વિરોધ નોંધાવી ચૂક્યા છે. આ પહેલા શનિવારે તાલિબાનના નિર્ણયનો વિરોધ કરી રહેલી મહિલાઓને વેર-વિખેર કરવા માટે તાલિબાન સરકારે તેમની ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો.
અફઘાનિસ્તાનના પશ્ચિમના શહેર હેરાતમાં ગર્વનરના બંગલે મોટી સંખ્યામાં વિરોધ કરવા જઈ રહેલી મહિલાઓને અટકાવવા તાલિબાને આ પગલું ભર્યું હતું. આ મહિલાઓએ શિક્ષણ અમારો જન્મસિદ્ધ અધિકાર છે જેવો સૂત્રોચ્ચાર કર્યો હતો.વિરોધ પ્રદર્શન આયોજિત કરનાર મરિયમે જણાવ્યું કે, આ પ્રદર્શનોમાં શહેરના વિવિધ ભાગમાંથી આવેલી ૧૫૦થી વધુ મહિલાઓ જોડાઈ હતી.