અમદાવાદના કાંકરિયા ખાતે કાર્નિવલ 2022નો પ્રારંભ કરાયો છે. વધતા કોરોનાને પગલે સંપૂર્ણપણે કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે આ ભવ્ય કાંકરિયા કાર્નિવલ 2022નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ત્યારબાદ કાંકરિયા કાર્નિવલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થયા હતા. મુખ્યમંત્રીએ સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે 7 વાગ્યાની આસપાસ કાંકરિયા ખાતે આવી પહોંચ્યા હતા. આ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને કમિશનર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાંકરિયા કાર્નિવલ 2022નો પ્રારંભ કરવામાં આવ્યો છે. કાંકરિયા કાર્નિવલમાં લાખોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટે છે જેને પગલે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે આ કાર્નિવલનું આયોજન AMC દ્વારા કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્નિવલમાં આવનારા લોકોને માસ્ક આપવામાં આવી રહ્યાં હતા. માસ્ક વગર કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. પ્રવેશ મેળવનારા લોકોને સેનિટાઇઝ પણ કરવામાં આવ્યા હતા. કાંકરિયા કાર્નિવલમાં 100 જેટલા વોલેન્ટીયર રાખવામાં આવ્યા છે. જેઓ લોકો પાસે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાવી રહ્યા છે.