ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારત સરકારે એક મોટું પગલું ભર્યું છે. માહિતી અનુસાર, સંરક્ષણ મંત્રાલયે સશસ્ત્ર દળો માટે 120 પ્રલય બેલિસ્ટિક મિસાઇલોની ખરીદી માટે મંજૂરી આપી દીધી છે. પ્રલય બેલેસ્ટિક મિસાઈલ 150 થી 500 કિલોમીટર સુધી મિસાઈલ પહોંચાડી શકે તેટલી સક્ષમ છે. એટલે કે તેના હુમલા હેઠળ આવતા દુશ્મનો માટે બચવું અશક્ય છે. આ મિસાઈલોને ચીન અને પાકિસ્તાનની સરહદો પર તૈનાત કરવામાં આવશે. તેમને પહેલા વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. આ પછી તે સેનાનો ભાગ બની જશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સંરક્ષણ મંત્રાલયની એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં સશસ્ત્ર દળો માટે લગભગ 120 મિસાઈલો ખરીદવા અને સરહદો પર તેમની તૈનાતીને મંજૂરી આપવામાં આવી છે. ચીન અને પાકિસ્તાન બંને પાસે બેલેસ્ટિક મિસાઈલો છે. આ બેલેસ્ટિક મિસાઈલ ચીનની બેલેસ્ટિક મિસાઈલોનો સામનો કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા તૈયાર કરવામાં આવેલી મિસાઈલને વધુ વિકસિત કરવામાં આવી રહી છે. જો સેના ઇચ્છે તો તેની રેન્જ વધુ વધારી શકે છે. 2015થી આ સિસ્ટમને વિકસાવવાનું કામ ચાલી રહ્યું હતું.
ઇન્ટરસેપ્ટર મિસાઇલોથી બચવામાં સક્ષમ, ટેક ઓફ પછી કોર્સ બદલવાની ક્ષમતા, દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમને સંપૂર્ણ રીતે નષ્ટ કરવામાં સક્ષમ, બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલ સાથે લાંબા અંતરની વ્યૂહાત્મક સંરક્ષણ પ્રણાલી બનાવવા માટે પણ સક્ષમ અને મોબાઈલ લોન્ચરથી લોન્ચ કરી શકાય તેવી ટેકનોલોજી પર વર્ક કરે છે આ મિસાઈલ.
પ્રલય મિસાઈલનું ગયા વર્ષે ડિસેમ્બરમાં સતત બે દિવસમાં બે વખત સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારથી સેના તેના સંપાદન અને ઇન્ડક્શન તરફ કામ કરી રહી છે. 150 થી 500 કિમીની રેન્જ સાથે, પ્રલય રોકેટ મોટર્સ અને અન્ય નવીન તકનીકો દ્વારા સંચાલિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મિસાઈલ પર ડીઆરડીઓ દ્વારા વર્ષ 2015માં ચર્ચા કરવામાં આવી હતી. ડીઆરડીઓએ તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે આ બેલેસ્ટિક મિસાઈલ ચીનની બેલેસ્ટિક મિસાઈલોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ મિસાઈલની ખાસિયત એ છે કે તેને જમીનની સાથે હવામાંથી પણ ફાયર કરી શકાય છે.