પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ વિભાગની નવી ભરતીના નિયમોમાં ફેરફાર કરવા પર વિચારણા ચાલી રહી છે. ભરતીના શારીરિક અને શૈક્ષણિક લાયકાતના નિયમોમાં ફેરફાર થઈ શકે છે. ભરતી સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે મળીને નવા નિયમો બનાવશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભવિષ્યની જરૂરિયાતોને આધારે નિયમો નક્કી કરવામાં આવશે. ભરતી સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે મળીને કેવા પ્રકારના મેન પાવર માટે કેવા નિયમો બનાવવા તે અંગે અભ્યાસ કરશે. આ નવા નિયમોના અભ્યાસ માટે અધિકારીઓની એક કમિટીની રચના કરવામાં આવશે. અભ્યાસ અને ચર્ચાના અંતે કમિટી ગૃહ રાજ્યમંત્રીને રિપોર્ટ આપશે. આ રિપોર્ટ બાદ નવા નિયમો અંગે આખરી નિર્ણય કરવામાં આવશે.
ગઈકાલે ગાંધીનગર ખાતે ગૃહવિભાગની અધ્યક્ષતામાં ભરતી બોર્ડની બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભરતી બોર્ડના અધ્યક્ષ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં લોક રક્ષક ભરતી, PSI અને PIની ભરતી મામલે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અલગ અલગ ભરતીને લઈને થયેલી રજૂઆતો અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. તે ઉપરાંત પોલીસ ભરતીના નિમણૂક પત્રો આપવા અંગેની પણ ચર્ચાઓ થશે.
GPSC દ્વારા પરીક્ષાનું કેલેન્ડર જાહેર
ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા આગામી નવા વર્ષ 2023માં યોજાનારી પરીક્ષાઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 8 જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી સુધીમાં વિવિધ જગ્યાઓ માટેની પ્રાથમિક કસોટીઓ લેવામાં આવશે. GPSCની વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા 8 જાન્યુઆરી 2023ના રોજ યોજાશે. જ્યારે કાયદા અધિકારી, ક્યૂરેટરની પરીક્ષા 22 જાન્યુઆરી 2023ના રોજ યોજાશે. તો ગુજરાત ઇજનેરી સેવાની પરીક્ષા પણ 22 જાન્યુઆરીના યોજાશે. હિસાબી અધિકારી, આચાર્ય વર્ગ-2, ઇજનેરી સેવાની પરીક્ષા 5 ફેબ્રુઆરીએ લેવાશે.