વલભીપુરમાં આવેલ આંબેડકરનગરમાં રહેતા યુવાને ભાવનગરના પિલગાર્ડનમાં ફીનાઇલ પી લેતા તેને સારવાર અર્થે સર ટી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. આ બનાવમાં વ્યાજખોરોનો અસહ્ય ત્રાસ હોવાનું અને આ યુવાન છેલ્લા પાંચ દિવસથી ઘરેથી નીકળી ગયાનું સામે આવ્યું છે. યુવાને ફિનાઇલ પીતા પૂર્વે એક ચિઠ્ઠી લખેલી છે જેમાં વ્યાજખોર તત્વોના નામજાેગ ઉલ્લેખ જાેવા મળે છે. બનાવના પગલે સબંધિતોમાં હડકંપ મચ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
બનાવ અંગે ઉપલબ્ધ થયેલી વિગતો મુજબ વલભીપુરમાં આવેલ આંબેડકરનગરમાં રહેતા પ્રવીણભાઈ પાલાભાઈ આગરિયા (ઉં.વ.૩૫) એ ગઈકાલે બપોરના સમયે ભાવનગરના પિલગાર્ડનમાં ફીનાઇલ પી લેતા તેને સારવાર અર્થે સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાન પાસેથી જી.આર.ડી.નું ઓળખપત્ર મળી આવ્યું હતું. જ્યારે તેના ખીસ્સામાંથી ત્રણ પાનાની નોટ મળી આવી છે જેમાં પાંચ શખ્સોના ત્રાસ અને જ્ઞાતિ વિશે અપમાનિત કરતા તેણે ફીનાઇલ પીધું હોવાની નોંધ લખી છે. આ બનાવમાં યુવાન પાસેથી મળી આવેલી ચિઠ્ઠીમાં ઉલ્લેખ મુજબ વ્યાજખોર તત્વોના અસહ્ય ત્રાસના પગલે પોતે પાંચ દિવસથી ઘર છોડીને નીકળી જવા મજબુર બન્યો છે અને કંટાળીને આત્મહત્યા કરવા જઇ રહ્યો છું. આ ચિઠ્ઠીમાં ઉલ્લેખ મુજબ ભોગગ્રસ્ત યુવાને વલ્લભીપુરના કોઇ મહેન્દ્રભાઇ પાસેથી રૂા.૫૩ હજાર વ્યાજે લીધેલ જેનું ૧૯ મહિના સુધી રૂા.૩૮૦૦ લેખે કુલ ૭૨ હજાર વ્યાજ ચુકવેલ છે. જ્યારે કોઇ હિતેશભાઇ પાસેથી પાંચ હજાર વ્યાજે લીધેલ તેનું ૫૦૦ લેખે નવ મહિના સુધી કુલ ૪૫૦૦ વ્યાજ ચુકવી આપેલ છે. જ્યારે પચ્છેગામના વિજયભાઇ પાસેથી કટકે કટકે રૂા.૧.૬૦ લાખ વ્યાજે લીધેલ તેની સામે કુલ ૫.૦૪ લાખ વ્યાજ ચુકવેલ છે. જ્યારે વલ્લભીપુરના અશ્વીનભાઇ પાસેથી ૨.૮૦ લાખ વ્યાજે લઇ ૩.૨૫ લાખ વ્યાજ ચુકવ્યું છે. આમ આ યુવાને કરેલા દાવા મુજબ તેણે રકમ વ્યાજે લીધે તેના કરતા અનેકગણુ વ્યાજ ચુકવી આપ્યું છે છતાં વ્યાજખોરો પૈસાની કડક ઉઘરાણી કરતા હોવાથી પોતે આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો છે. જાે કે, આ બનાવમાં સત્ય હકિકત શું છે, કોણે વ્યાજે આપ્યા અને કોણે કેટલું વ્યાજ વસુલ્યું તે સહિતની બાબત પોલીસ તપાસનો વિષય છે. આ બનાવમાં પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી હોવાનું વધુમાં જાણવા મળ્યું છે.