ભાવનગર શહેરમાં મુંગા પશુઓને રજકો ખવરાવી દાન પૂણ્યની પરંપરા વર્ષોથી રહી છે, તાજેતરમાં છેલ્લા સાતેક દિવસથી મ્યુ. તંત્રએ પશુ ત્રાસ નિવારવા માટે રજકાના પોઇન્ટ બંધ કરાવવા કડક કાર્યવાહી હાથ ધરી છે, ખુદ કમિશનર આ માટે કમર કસી રહ્યા છે. શહેરમાં રખડતા ઢોરની સમસ્યા જીવલેણ બનતા કોર્પોરેશને આ કાર્યવાહી કરવી પડી છે પરંતુ બીજી બાજુ લોકોની દાન પૂણ્ય વૃત્તિથી જ પેટની આગ ઠારતા પશુઓને ભુખ્યા ટળવળવાનો સમય આવ્યો છે.
મ્યુ. તંત્ર દ્વારા દરરોજ રજકા ડ્રાઇવ ગોઠવીને પુળા જપ્ત લેવામાં આવે છે, આ કારણે પશુઓ ભુખ્યા જ રહી જાય છે. અબોલ જીવોની હાલત ખરેખર દયનીય અને લાચાર બની છે. પશુપાલકોએ રેઢા મુકી દીધેલા આ પશુઓ આખરે પેટની આગ ક્યાં ઠારે ? આ હૃદયદ્રાવક સવાલ છે. મ્યુ. કમિશનર અને કોર્પોરેશન દ્વારા જે કડકાઇ કરવામાં આવી છે તે માનવ જીવનની ભલાઇ માટે જ છે તેમાં કોઇ શંકા નથી. પરંતુ સામા પક્ષે પશુઓ માટે પણ વિચારવું રહ્યું. મહાપાલિકા દ્વારા રજકા ડ્રાઇવમાં અસરકારક કામગીરી થઇ રહી છે એ રીતે પશુઓને પકડવામાં કામગીરી થતી નથી.
રખડતા પશુઓને ખીલે બાંધવા પશુપાલકો તૈયાર નથી, તો મ્યુ. તંત્ર રજકા ડ્રાઇવમાં કડકાઇ દાખવી રહ્યું છે. આ કારણે રખડતા પશુઓની સ્થિતી દયનીય બની છે. ત્યારે પશુઓ રસ્તે રખડતા બંધ થાય તેવા સહિયારા પ્રયાસોની જરૂર છે, માત્ર રજકા ડ્રાઇવ આ સમસ્યાનો ઉકેલ નથી. માલધારી-પશુપાલકોની મુશ્કેલી અને પ્રશ્નો પણ સરકાર અને તંત્ર સમજે તેવી લોક લાગણી છે. ભૂતકાળમાં પશુપાલન માટે શહેરની બહાર જમીનો ફાળવવા સહિતની યોજનાઓની વાતો થઇ છે પરંતુ નક્કર રૂપ અપાયું નથી.
ભારતીય સંસ્કૃતિમાં પશુઓને ‘પશુધન’ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે પશુધનની જાળવણી માટે સહિયારા પ્રયાસો જરૂરી છે. આ સાથે શહેરના માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ દુર થાય એ પણ એટલો જ જરૂરી છે.
ઢોરના ડબ્બે આવી લોકો દાન-પૂણ્ય કરી શકે છે – કમિશનર
મ્યુ. કમિશનર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, શહેરમાંથી રખડતા પશુઓને પકડી ડબ્બે પુરવામાં આવી રહ્યા છે જેથી માનવ જીંદગી ન જાેખમાય. જે લોકો પશુઓને ચારો ખવરાવવા માંગતા હોય તેઓ કોર્પોરેશનના ઢોરના ડબ્બે આવી પશુઓને ચારો કે ઘરેથી લાવેલા ખાદ્ય પદાર્થ ખવરાવી શકે છે. આ માટે તેઓને રોકવામાં નહિં આવે. તેમણે ઉમેર્યું હતું કે, લોકોની સુખાકારી માટે જ તંત્ર કામ કરી રહ્યું છે ત્યારે નગરજનોનો સહકાર મળે તે ઇચ્છનીય છે.