ભાવનગરમાં મહાપાલિકા તંત્રની નબળાઇ દબાણ કરતા તત્વો સારી રીતે જાણી ગયા હોય તેમ હવે રોડ-રસ્તા પર તો દબાણ થાય જ છે પરંતુ કોર્પોરેશનની માલિકી મિલ્કતો પણ સલામત નથી. ચિત્રામાં મહાપાલિકાએ રિઝર્વ રાખેલા ૪૦૦૦ મીટરના મસમોટા પ્લોટની કમ્પાઉન્ડ વોલમાં બાકોરૂ પાડીને દબાણ કરી અને લોજ માટે ગેરકાયદે રીતે રસોડુ ખોલી નખાયું હતું જેની જાણ થતા મ્યુ. તંત્રએ દોડી જઇ આ દબાણ દુર કર્યું હતું પરંતુ તંત્રના હાથ થથરતા હોય તેમ કોઇ કાર્યવાહી કરી નથી !
આ અંગે ઉપલબ્ધ વિગતો મુજબ ભાવનગર મહાપાલિકા દ્વારા ચિત્રા માર્કેટીંગ યાર્ડની સામે ફુલસર ટીપી સ્કીમ નં.૨/બી માં વાણિજ્ય હેતુ માટે ૪૦૦૦ મીટરનો પ્લોટ રિઝર્વ રાખવામાં આવ્યો છે. કોર્પોરેશનની મિલ્કતમાં કોઇ પેશકદમી ન કરે તે માટે આ પ્લોટની ફરતે પાકી દિવાલ કરીને કંપાઉન્ડ વોલ બાંધવામાં આવી છે જેમાં પાકુ બાંધકામ તોડી અને પ્લોટમાં રસોડુ બનાવી બહારની ભાગે લોજ ખોલી નાખવામાં આવી હતી. જ્યારે રસોડુ પ્લોટમાં અંદર ધમધમતું થયું હતું. તંત્રને જાણ થતા આજે દોડી જઇ દબાણ હટાવી અને દિવાલને પુનઃ ચણી લેવામાં આવી હતી પરંતુ આ કૃત્ય કરનાર સામે હજુ સુધી કોઇ કાર્યવાહી નહીં કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.
જાે મ્યુ. તંત્ર પોતાની મિલ્કત પણ સાચવી નહીં શકે તો જાહેર મિલ્કત કે રોડ-રસ્તાની સંભાળ કેમ રાખી શકશે ? તેવો સવાલ ઉઠ્યો છે. કોર્પોરેશનની માલિકીની મિલ્કતમાં નુકસાન કરી ગેરકાયદે પ્રવેશ કરી અને કબ્જાે જમાવનાર સામે આખરે કાર્યવાહી કેમ નથી કરાઇ ? તંત્રના હાથ શાં માટે ધ્રુજી રહ્યા છે તે સવાલ ઉઠ્યો છે. આખરે આમાં કોઇ અધિકારીની જ મિલીભગત હતી કે કોઇ રાજકીય ભલામણ છે ? તે સહિતના સવાલોના જવાબ તંત્ર જ આપી શકે.