થર્ટી ફર્સ્ટની રાત્રિના ૨૦૨૨ને બાય બાય તેમજ ૨૦૨૩ને વેલકમ કરવા માટે રાજ્યભરની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં પણ અનેક સ્થળોએ પાર્ટીઓના જાહેર તથા ખાનગી આયોજનો કરવામાં આવ્યા છે આ પાર્ટીઓ માટે યુવાધન થનગની રહ્યું છે પરંતુ પોલીસ દ્વારા પણ થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂ તથા નશાખોરીના દૂષણને ડામવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને હાઇવે પર તથા શહેરના પ્રવેશ દ્વારે ખાસ ચેકપોસ્ટ પણ ઊભી કરવામાં આવી છે આ ઉપરાંત ૩૧ની રાત્રીના વિવિધ ટીમો દ્વારા રસ્તા પર નીકળતા લોકોને બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ પણ કરવામાં આવશે અને નશો કરેલાઓને ઝડપી લેવામાં આવશે.
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતીઓને પણ પશ્ચિમી સંસ્કૃતિનું ઘેલું લાગ્યું હોય તેમ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાં આવે છે અને થર્ટી ફર્સ્ટમાં રાત્રિના સમયે પાર્ટીઓના પણ આયોજન થાય છે જેમાં નાચગાન અને ખાણી પીણીનો પણ સમાવેશ કરવામાં આવે છે આથી શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ બહેન દીકરીની છેડતી ન થાય તે માટે પોલીસ દ્વારા પણ થર્ટી ફર્સ્ટ માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા ભાવનગર, બોટાદ અને અમરેલી માટે ૨૯ જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે અને શહેરના પ્રવેશ દ્વાર ઉપર પણ કડક વોચ રાખવામાં આવી રહી છે અને દારૂની તથા ડ્રગ્સ સહિત નશાખોરીની હેરાફેરી અટકાવવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પોલીસ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ ૩૧ ડિસેમ્બર રાત્રિના સમયે રસ્તા પર નીકળતા અને શંકાસ્પદ જણાતા લોકોનું ચેકિંગ કરવામાં આવશે તેઓનું બ્રેથ એનેલાઇઝર દ્વારા પણ ચેકિંગ કરાશે અને જાે નશો કરેલી હાલતે પકડાશે તો તેઓ સામે કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે આ અંગેની કામગીરીનું જિલ્લા પોલીસવડા દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ પણ કરવામાં આવશે આ ઉપરાંત મહિલા પોલીસની ટીમ પણ ખાનગી ડ્રેસમાં સતત વોચ રાખશે. થર્ટી ફર્સ્ટ પૂર્વે ભાવનગર શહેર જિલ્લા સહિત ભાવનગર રેન્જમાંથી પોલીસે છેલ્લા એકાદ મહિનામાં અનેક દરોડાઓ પાડી ભાવનગર આવતા દારૂના જથ્થાને ઝડપી લેવાયો છે અને યુવાધનને નશાખોરીમાં જતા અટકાવવાના સઘન પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
શહેરના કોમ્પ્લેક્સોમાં રાત્રી ચેકિંગ જરૂરી
ભાવનગર શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલા છે આ તમામ કોમ્પલેક્ષોમાં દુકાનો તથા ઓફિસો રાત્રીના ૯ થી ૧૦ વાગ્યે બંધ થઈ જતા હોય છે ત્યારબાદ આવા કોમ્પ્લેક્સોમાં સિક્યુરિટી સિવાય કોઈ હોતું નથી ત્યારે રાત્રિના સમયે કેટલાક લેભાગુ અને આવારા તત્વો ખાણીપીણીની પાર્ટીઓ પણ મનાવતા હોય છે ત્યારે પોલીસ દ્વારા રાત્રીના સમયે કોમર્શિયલ કોમ્પ્લેક્સોમાં પણ ચેકિંગ કરવું જાેઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે.