INSACOGના ડેટા પ્રમાણે, ઓમિક્રોનના વેરિયંટ XBB.1.5નો ભારતનો સૌપ્રથમ કેસ ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં નોંધાયો છે. હવે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં આ વેરિયંટનો ફેલાવો ના થાય તે માટે ત્યાંનું આરોગ્ય વિભાગ સતર્ક થયું છે.
ન્યૂયોર્કમાં ઓમિક્રોનના સબ-વેરિયંટ XBB.1.5નો ફેલાવો થઈ રહ્યો છે. યુએસમાં લગભગ 40 ટકા કેસ આ વેરિયંટના છે.
ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આ સાથે જ દુનિયાના બીજા કેટલાક દેશોમાં પણ કોરોનાના ઓમિક્રોનના BF.7 વેરિયંટે ભય ફેલાવ્યો છે. એવામાં ઓમિક્રોનના નવા વેરિયંટ XBB.1.5નો પહેલો કેસ ગુજરાતમાં નોંધાયો છે. ઈનસાકોગ (INSACOG)ના ડેટા મુજબ, ઓમિક્રોનના વેરિયંટ XBB.1.5નો ભારતનો સૌપ્રથમ કેસ ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, સબ-વેરિયંટ XBB.1.5 જ ન્યૂયોર્કમાં કોરોનાના કેસ અને હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની સંખ્યામાં નોંધાયેલા વધારાનું કારણ છે. XBB ઓમિક્રોનના BA.2ના બે ભિન્ન સબ-વેરિયંટનું રિકોમ્બિનેશન છે. પરંતુ તેના વંશજ XBB.1.5નું ACE2 રિસેપ્ટર સાથે મજબૂત બાઈન્ડિંગ હોવાનું માનવામાં આવે છે. મતલબ કે, તેની ફેલાવાની ક્ષમતા વધારે છે, તેમ યુએસના વૈજ્ઞાનિક એરિક ટોપોલનું કહેવું છે.
ગુજરાત અને મહારાષ્ટ્ર પાડોશી રાજ્યો છે ત્યારે અહીં XBB.1.5નો પહેલો કેસ નોંધાતા મહારાષ્ટ્રનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના આ નવા વેરિયંટનો પ્રવેશ ના થાય તે માટે આરોગ્ય વિભાગે ધ્યાન કેંદ્રિત કર્યું છે. મહારાષ્ટ્રના સર્વેલન્સ ઓફિસર ડૉ. પ્રદીપ અવાતેએ અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં કહ્યું, “અમે વાયરસના જેનેટિક ફૂટપ્રિન્ટ્સ પર નજર રાખી રહ્યા છીએ. હાલ રાજ્યમાં સો ટકા જિનોમિક સિક્વન્સિંગ થઈ રહ્યું છે. જ્યારે વિદેશથી આવતા પ્રવાસીઓનું થર્મલ સ્ક્રીનિંગ અને 2 ટકા રેન્ડમ સેમ્પલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. પોઝિટિવ સેમ્પલ્સને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવે છે. મહારાષ્ટ્રમાં XBBના 275 કેસ છે. પરંતુ XBB.1.5એ સબ-વેરિયંટ છે અને તે કેટલો ઝડપથી ફેલાય છે તેના વિશે ખૂબ ઓછી માહિતી ઉપલબ્ધ છે. XBBનો વંશજ હોવાથી સબ-વેરિયંટના ઓરિજિનલ વર્ઝનમાં સામાન્ય ફેરફાર હશે. તેમ છતાં રાજ્યમાં તેના પ્રવેશ અને ફેલાવો ના થાય તે માટે અમે સતર્કતા દાખવી રહ્યા છીએ.”