શહેરમાં સફાઇની ઉત્કૃષ્ટ કામગીરી માટે મ્યુ. કમિશનર દરરોજ સવારે રાઉન્ડ લઇને પરસેવો પાડી રહ્યા છે. આજે કુંભારવાડા વોર્ડમાં કમિશનર ઉપાધ્યાયે પગે ચાલીને બેથી અઢી કલાક સુધી વિવિધ વિસ્તારોમાં મુલાકાત કરી હતી જેમાં મુખ્ય રસ્તાઓને બાદ કરતા આંતરિક શેરી-ગલ્લીઓમાં સફાઇમાં વેઠ ઉતરતી હોવાનું ધ્યાને ચડતા સબંધિત અધિકારી અને સ્ટાફને ખખડાવ્યો હતો અને ‘ડીપ સફાઇ’ માટે સુચના આપી સાંજ સુધીમાં ફોટા સાથે રિપોર્ટ કરવા ફરમાન કર્યું હતું.
ખુલ્લા પ્લોટમાં ગંદકી અને કચરા મુદ્દે પ્લોટ માલિકોને નોટિસ આપવા કમિશનરે સુચના આપી હતી તો કમિશનરની મુલાકાત દરમિયાન આ વિસ્તારના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુભાઈ સોલંકી વધુ એક વખત ઝપટે ચડ્યા હતાં. અગાઉ તેઓ મોડા પડતા નોટિસ અપાઇ હતી જ્યારે આજે કમિશનર રાઉન્ડમાં હોવા છતાં ક્યાંય ફરક્યા ન હતાં ! આથી તેની સામે સસ્પેન્ડની કાર્યવાહી થઈ છે. મ્યુ. કમિશનરે અમર સોસાયટી, કાશ્મીરી કોલોની વિગેરે જગ્યાએ ચાલીને રાઉન્ડ લીધો હતો જેથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની સફાઇમાં દાખવાતી વેઠની પોલ ખુલી પડી હતી. કમિશનરે સઘન સફાઇ સાથે જંગલ કટીંગ માટે પણ સુચના આપી હતી. આ ઉપરાંત રજકો ભરેલ ટેમ્પો પકડી પાડી રૂ.5 હજાર દંડ પણ કર્યો હતો.
જ્યારે પશુ નિયંત્રણ વિભાગ દ્વારા બોરતળાવ, વિજયરાજનગર, માર્કેટીંગ યાર્ડ, ફુલસર અને શાસ્ત્રીનગરમાંથી માલિકીના ૮ પશુઓને ઓળખી લઇ પશુપાલકો સામે પોલીસ કાર્યવાહી માટે તજવીજ હાથ ધરાઇ હતી.