ભાવનગરમાં છેલ્લા ૧૦-૧૨ દિવસથી પશુ નિયંત્રણ, સ્વચ્છતા સહિતની બાબતોને અસરકારક બનાવવા મ્યુ. કમિશનર ઉપાધ્યાય રોજ સવારે ફીલ્ડમાં નીકળી પડે છે પરંતુ કોર્પોરેશનના જુદા જુદા વિભાગના અધિકારીઓ નિરસ હોય તેમ કમિશનરના સીધા માર્ગદર્શન સિવાય કામ નહીં કરી સુસ્તતા દાખવી રહ્યા છે. કમિશનર જ્યાં જ્યાં જાય છે ત્યાં કામગીરી અસરકારક રીતે થાય છે ! આજે પણ મ્યુ. કમિશનરે મામાકોઠા રોડ, દિવાનપરા અને હલુરીયામાં રાઉન્ડ લગાવતા રખડતા ઢોર નજરે ચડતા તુરંત ટીમને બોલાવી હતી અને એક જ સ્થળ પરથી ૪૫ જેટલા પશુઓને ડબ્બે પુરવામાં આવ્યા હતાં.
કમિશનરે સાંજ સુધીમાં ૧૦૦ પશુ પકડવા પશુ નિયંત્રણ વિભાગને સુચના આપી છે. બપોર સુધીમાં લગભગ ૫૫ જેટલા પશુઓ ડબ્બે પુરાયા હોવાનું જાણવા મળ્યું છે. મ્યુ. કમિશનરે આજે વડવા વોર્ડમાં રાઉન્ડ લીધો હતો અને સ્વચ્છતાની બાબતને લઇને જરૂરી સુચનો કર્યાં હતાં તેમજ સરદારબાગ (પીલગાર્ડન)માં કરોડોના ખર્ચ પછી પણ કેટલીક પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાની ફરિયાદ હતી. કમિશનરે સરદારબાગમાં મુલાકાત લેતા તેની લાઇટો બંધ જણાઇ હતી જેના કારણમાં કેબલ ફોલ્ટ હોવાનું સામે આવ્યું હતું આથી સત્વરે ફોલ્ટ દુર કરી લાઇટો પુનઃ ઝળહળતી કરવા તેમજ અન્ય કેટલીક બાબતે સુચનો કર્યાં હતાં. જ્યારે મામાકોઠા, દિવાનપરા અને હલુરીયા વિગેરે વિસ્તારમાં પણ રાઉન્ડ લઇ સ્વચ્છતા સહિતની બાબતે સુચનો કર્યાં હતાં. જ્યારે આ વિસ્તારમાં અસંખ્ય પશુઓ રસ્તા પર મળી આવતા કમિશનરે ત્યાં જ ઉભા રહીને પશુ નિયંત્રણ વિભાગની ટીમને બોલાવીને પશુઓને પકડાવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, શહેરમાંથી રખડતા પશુઓને ડબ્બે પુરવામાં પશુ નિયંત્રણ વિભાગની કામગીરી આજસુધી ચલ્લક ચલાણુ જેવી રહી છે. દરરોજ માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ પશુઓ ડબ્બે પુરવામાં આવી રહ્યા છે આ કારણે કામગીરીની કોઇ અસરકારકતા જાેવા નથી મળતી ત્યારે કમિશનરે પણ પશુ નિયંત્રણ વિભાગની નિષ્ક્રીયતા જાણી લીધી હોય તેમ આજે કેટલ ડ્રાઇવ માટે સુચના આપી અને સાંજ સુધીમાં ૧૦૦ પશુને ડબ્બે પુરવા તાકીદ કરી હતી. દરરોજ ૧૦-૧૨ પશુ પકડતી ટીમ એક દિવસમાં ૧૦૦ પશુ પકડશે તે પણ રેકર્ડબ્રેક રહેશે !
પોલીસ કાર્યવાહીથી બચવા પશુના ટેગ કાઢી નખાયા, કમિશનરે કહ્યું તે પણ ચેક કરીશું
ભાવનગરમાં માલિકીના પશુ રસ્તે રખડતા મળી આવે તેની સામે પોલીસ ફરિયાદ કરવા કોર્પોરેશને ઝુંબેશ ચલાવી છે ત્યારે પશુપાલકો હવે પશુના કાન પરની ટેગ દુર કરી રહ્યા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે. મ્યુ. કમિશનર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, પશુના કાન પર લગાવાયેલ ટેગ એ સરકારી છે ત્યારે તેને દુર કરવી તે પણ ગુનો છે. આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા ટેગના રજીસ્ટ્રેશનના આધારે સબંધિત પશુપાલકના ઘરે જઇને તપાસ કરી આ દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવશે.