સુરતમાં દારૂ જુગાર જેવી ગેરપ્રવૃતી પર પોલીસ ખાસ નજર રાખતી હોય છે ત્યારે સુરતની કાપોદ્રા પોલીસને હાઇ પ્રોફાઈલ જુગારધામ ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પાર્ક ઇન્ડસ્ટ્રીઝમાં વ્યવસાયની જગ્યાએ મસ્ત મોટું જુગારધામ ચાલતું હોવાની માહિતી મળતા ત્યાં તપાસ કરી હતી. પોલીસે મોટું જુગાર ધામ ઝડપી પાડ્યું હતું. પોલીસે પંચની સાથે ત્યાં રેડ કરતા જાણવા મળ્યું હતું કે, અહીં ખૂબ મોટા પ્રમાણમાં હાઈ પ્રોફાઈલ લોકો સાથે જુગાર રમાય છે.
કાપોદ્રા પોલીસે ચોક્કસ મળેલી માહિતી મળી હતી કે, કાપોદ્રાના ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોઈડરીના કારખાનાની જગ્યાએ જુગારધામ ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસે આ માહિતીને જુદી જુદી રીતે ખરાઈ કરાવી હતી. તેમાં તેમને ચોક્કસ પૂરાવાને સફળતા મળતા પંચને સાથે રાખીને કાપોદ્રા પોલીસે રેડ કરી હતી. કાપોદ્રાના ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝના ચોથા મળે એમ્બ્રોઈડરી કારખાના નહીં પરંતુ ગેરકાયદેસર રીતે હાઈ પ્રોફાઈલ જુગારધામ ચલાવવામાં આવતું હતું. પોલીસે આ જગ્યાએ રેડ કરી કારખાનાના માલિક, વકીલ સહિત અન્ય પાંચ મળી કુલ સાત જેટલા ઇસમોની ઘટના સરળતાથી ધરપકડ કરી હતી. જ્યારે 10 જેટલા જુગાર રમતા ઈસમો પોલીસની રેડ પડી હોવાનું ખબર પડતા ત્યાંથી ભાગી જવામાં સફળ થયા હતા.
એમ્બ્રોઈડરી કારખાના ચલાવવાની જગ્યાએ ત્યાં કોઈ જ પ્રકારનું વ્યવસાય કામ થતું ન હતું. ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝના ચોથા માળે મોટી જગ્યામાં ગુપ્ત રાહે મોટાપાયે જુગાર રમાડાઈ રહ્યો હતો. એટલું જ નહીં, અહીં જુગાર રમવા આવનારને હાઈ પ્રોફાઈલ મોંઘી કિંમતની દારૂ અને બિયરની પણ સવલત આપવામાં આવતી હતી. પોલીસે પકડેલા સાથે આરોપીઓ પાસેથી એપલ સહિતના ફોન અને રોકડા રૂપિયા કબજે કરવામાં આવ્યા. કારખાનાના જુદા જુદા ચારથી પાંચ રૂમ બનાવીને તમામને જુગાર રમવા માટે વીઆઈપી ફેસિલિટી આપવામાં આવતી હતી.
પોલીસની રેડની ગંધ આવી જતા 10 જેટલા જુગારી નાસી ગયા
પોલીસે પકડેલા હાય પ્રોફાઈલ જુગારધામ અંગે એ. સી. પી., વી. આર. પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતીને આધારે પંચ સાથે ત્યાં રેડ કરી હતી. ત્યારે મૂળ વકીલાતની પ્રેક્ટિસ કરતા પ્રશાંતકુમાર પટેલ દ્વારા આ કારખાનું વ્યવસાયિક હેતુથી રાખવામાં આવ્યું હતું. પરંતુ તેમાં વ્યવસાયની જગ્યાએ ગેરપ્રવૃત્તિ કરવામાં આવતી હતી. તે ઉપરાંત વકીલ અને કારખાના માલિક પ્રશાંત પટેલ તેના અન્ય બે વેપારી મિત્રોને સાથે રાખી આ જુગારધામ ચલાવી રહ્યા હતા. ત્યારે પોલીસે રેડ દરમિયાન જુગાર રમાડી રહેલા અને રમી રહેલા કુલ સાત જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક છતની બાજુના રૂમમાં રમતા 10 જુગારીઓને પોલીસની જાણ થઈ જતા તેઓ ભાગી છૂટવામાં સફળ થયા હતા. પોલીસે તમામને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવાની દિશામાં તપાસ હાથ ધરી છે.