સૌરાષ્ટ્ર-કચ્છમાં આજરોજ પણ સવારથી જ હિમ જેવું બર્ફીલુ વાતાવરણ છવાયેલુ રહ્યું હતું અને ચાલુ સિઝનમાં સૌપ્રથમવાર કચ્છના નલિયા ખાતે ર ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા નલિયા બર્ફાગારમાં ફેરવાઇ ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે નલિયા ખાતે 8.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
આમ 24 કલાકમાં જ નલિયા ખાતે છ ડિગ્રી જેટલું સવારનું તાપમાન ગગડી જતા આજે નલિયાવાસીઓ થીજી ગયા હતા, અત્રે ઉલ્લેખનીય છે કે શિયાળા દરમ્યાન રાજયમાં દર વર્ષે સૌથી વધુ ઠંડી નલિયામાં પડે છે. અને શિયાળુ સિઝન દરમ્યાન અનેકવાર 2 થી 4 ડિગ્રી લઘુતમ તાપમાન થઇ જાય છે. ત્યારે ચાલુ શિયાળુ સિઝનમાં પ્રથમવાર નલિયા ખાતે બે ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતુ:. આ ઉપરાંત આજે કચ્છનાં ભૂજમાં પણ પ્રથમવાર સિંગલ ડિઝીટ તાપમાન નોંધાયુ હતું. આજે સવારે ભૂજ ખાતે 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા ભૂજવાસીઓ પણ ઠરી ગયા હતા.
ઉપરાંત કંડલા ખાતે પણ 12 ડિગ્રી સાથે તિવ્ર ઠંડી અનુભવાઇ હતી. જયારે આજે ભૂજ-નલિયા ઉપરાંત ડિસા-ગાંધીનગરમાં પણ સિંગલ ડિઝીટ તાપમાન નોંધાયુ હતું. આજે સવારે ડિસા ખાતે 6.9 ડિગ્રી અને ગાંધીનગરમાં 9.4 ડિગ્રી ઠંડી સાથે લોકો ધ્રુજી ગયા હતા.આ ઉપરાંત આજરોજ સવારે રાજયમાં મોટા ભાગનાં સ્થળોએ ઠંડીનો સપાટો રહ્યો હતો
ઉતર ભારતમાં ઠંડીના ભારે જોરથી અસર સોરઠ જીલ્લામાં ગત સોમવારથી ઠંડીનો માહોલ સર્જાયો છે. ગઇકાલે ભારે ઠંડા પવનના સુસવાટાના કારણે ગિરનાર પર્વત ઉપરનો ગિરનાર રોપ-વે થંભાવી દેવાની ફરજ પડી હતી શહેર અને જીલ્લામાં હીમભર્યા પવનથી જનજીવનમાં મોટી અસર જોવા મળતા ખાસ કરીને ટુ વ્હીલર ખુલ્લા વાહનો રોડ પર ભાગ્યે જ જોવા મળતા હતા. સમી સાંજમાં રોડ રસ્તાઓ સુમસામ થઇ જવા પામ્યા હતા. ઠેર ઠેર તાપણા કરી લોકો ઠંડીથી બચવા પ્રયાસો કરી રહ્યા જોવા મળતા હતા.