ઉત્તરાખંડમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાંથી આફત હટવાનું નામ નથી લઈ રહી. શુક્રવારે મોડી રાત્રે 2.12 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.9 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર 240 કિમી દૂર હતું. જોકે આંચકો તીવ્ર ન હતો પરંતુ આ આંચકા જોશીમઠની ધસતી જમીનને વધુ નુકસાન પહોંચાડે તેવી આશંકા છે.
જોશીમઠની ભૂમિ ભૂસ્ખલનને કારણે પહેલેથી જ ધસી રહી છે. 760 મકાનોની ઓળખ કરવામાં આવી છે જેમાં આંશિક અથવા ગંભીર તિરાડો પડી છે. આમાંથી ઘણી ઇમારતો ગંભીર હાલતમાં છે જેના કારણે તેને તોડી પાડવી પડી છે. આવી સ્થિતિમાં તાજેતરના ભૂકંપના આંચકા પછી પહેલેથી જ નબળા આ મકાનોને વધુ નુકસાન થવાની આશંકા છે.