ભારતીય નૌકાદળની શક્તિમાં વધુ વધારો થવા જઈ રહ્યો છે. ભારતીય નૌકાદળ 23 જાન્યુઆરી 2023 ના રોજ પાંચમી કલવારી વર્ગની સબમરીન INS વાગીર શરૂ કરશે. આ પાંચમી ડીઝલ ઇલેક્ટ્રિક સ્કોર્પિન સબમરીન છે. આ વર્ષના અંત સુધીમાં નેવીને આવી છઠ્ઠી અને છેલ્લી સબમરીન મળી જશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સબમરીન ભારતમાં મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ મુંબઈ દ્વારા મેસર્સ નેવલ ગ્રૂપ, ફ્રાન્સના સહયોગથી બનાવવામાં આવી રહી છે. મેસર્સ MDLએ 20 ડિસેમ્બર 22ના રોજ ભારતીય નૌકાદળને સબમરીન સોંપી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લી વાગીર સબમરીને ભારતીય નૌકાદળમાં લગભગ ત્રણ દાયકા સુધી સેવા આપી હતી, ત્યારબાદ તેને 07 જાન્યુઆરી, 2001ના રોજ સેવામુક્ત કરવામાં આવી હતી. જૂની વાગીરને 01 નવેમ્બર 1973ના રોજ ‘કમીશન’ કરવામાં આવ્યું હતું અને તેણે નિવારક પેટ્રોલિંગ સહિત સંખ્યાબંધ ઓપરેશનલ મિશન હાથ ધર્યા હતા.
નવી ‘વાગીર’ સબમરીન, 12 નવેમ્બર 20ના રોજ લોન્ચ કરવામાં આવી છે, જે અત્યાર સુધીની તમામ સ્વદેશી રીતે નિર્મિત સબમરીનમાં સૌથી ઓછા સમયમાં તૈયાર કરી હોવાનું ગૌરવ ધરાવે છે. દરિયાઈ પરીક્ષણો શરૂઆત કરતા તેણે પોતાની પ્રથમ સફર 22 ફેબ્રુઆરીએ કરી હતી. વાગીરને નૌ સેનામાં સામેલ કરતા પહેલા વ્યાપક સ્વીકૃતિ તપાસ, કઠોર અને પડકારજનક દરિયાઈ પરીક્ષણોની શ્રેણીમાંથી પસાર કરાઈ છે.