ટીમ ઈન્ડિયા હોકી વર્લ્ડકપ 2023 માંથી બહાર થઈ ચૂકી છે. જણાવી દઈએ કે રવિવારે 22 જાન્યુઆરીના રોજ ભુવનેશ્વર સ્ટેડિયમમાં રમાયેલ ક્રોસઓવર મેચમાં ભારતને ન્યુઝીલેન્ડના હાથે શૂટઆઉટમાં 4-5થી હારનો સામનો કરવો પડ્યો હતો આ સાથે જ ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ કપ જીતવાનું સપનું આ વર્ષ પણ સપનું જ રહી ગયું હતું. નોંધનીય છે કે ભારતે વર્ષ 1975માં છેલ્લી અને એકમાત્ર વખત હોકી વર્લ્ડ કપ પર કબજો કર્યો હતો. એવામાં જો જોવામાં આવે તો ન્યૂઝીલેન્ડ હંમેશા મોટી ટૂર્નામેન્ટમાં ભારતને માત આપતું આવ્યું છે..
ક્રિકેટ હોય કે હોકી ટીમ ઈન્ડિયા મહત્વની મેચોમાં ન્યૂઝીલેન્ડ સામે ઘણી વખત હાર્યું છે. એવામાં ઈંગ્લેન્ડમાં રમાયેલ 2019 ODI વર્લ્ડ કપ કોણ ભૂલી શકે? જૂની મેચને યાદ કરીએ તો વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર રમત રમી રહી હતી અને ટીમે વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. એ સમયે સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સાથે થયો હતો અને માન્ચેસ્ટરમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 18 રનથી હરાવી હતી.