બરવાળા ઘેલાશાના પ્રસિદ્ધ અંબાજી ધામનો 25મો પાટોત્સવ ભારે શ્રદ્ધા અને ભાવભેર ઉજવાશે. આગામી તા.24,25 અને 26 જાન્યુઆરી એમ ત્રણ દિવસ સુધી હોમાત્મક શતચંડી યજ્ઞ અને અભિષેકાત્મક મહારુદ્ર યજ્ઞનું આયોજન કરાયું છે જેમાં શ્રધ્ધાળુઓ માતાજીની ભક્તિમાં લીન બનશે.
વતનપ્રેમી વણિક-બાબરીયા પરિવારના મોભી વૃજલાલ પોપટલાલ બાબરીયાના સંકલ્પ અને ભાવથી બરવાળામાં અંબાજી મંદિરનું નિર્માણ કરીને અર્પણ કરાયેલ છે. અહીં પ્રતિવર્ષ નવરાત્રીમાં માતાજીની આરાધના સાથે લોકપયોગી કાર્યો અને સામાજીક જાગૃતિ માટે મહોત્સવ ઉજવાય છે જે ભારે આકર્ષક બની રહે છે. મંદિર નિર્માણના 25 વર્ષથી બાબરીયા પરિવાર દ્વારા નાના અંબાજી ધામના માધ્યમથી દર વર્ષે નાની મોટી સામાજીક પ્રવૃતિઓ કરવામાં આવે છે.
વ્યાપાર ધંધા અર્થે મુંબઇ સ્થાઈ થયેલા સ્વ. કિરીટભાઈ, સ્વ.રાજેશભાઇ, પંકજભાઈ, મહેશભાઈ અને તેમના પરિવારજનો વ્યસ્તતા વચ્ચે પણ નવરાત્રી અને પાટોત્સવમાં આવવાનું ચુકતા નથી જે તેમની માતાજી પ્રત્યેની શ્રધ્ધા અને વતન પ્રત્યેની લાગણી દર્શાવે છે.બરવાળાનું અંબાજી માતાનું આ સ્થાનક નાના અંબાજીધામ તરીકે જાણીતું બન્યું છે અહીં યોજાતા પ્રત્યેક ધર્મોત્સવમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં સામેલ થતા રહ્યા છે તેમજ માતાજીના દર્શનાર્થે ભાવિકોનો પ્રવાહ પ્રતિદિન વ્હેતો રહે છે. 25માં પાટોત્સવ પ્રસંગે ત્રિ-દિવસીય હોમાત્મક શતચંડી અને અભિષેકાત્મક મહારુદ્ર યજ્ઞનું આયોજન કરાયું છે જેમાં શાસ્ત્રી મેહુલભાઈ પેટલાદવાળાના આચાર્યપદે પવિત્ર મંત્રોચ્ચાર સાથે વિવિધ હવનીય દ્રવ્યોની આહુતિઓ અપાશે. પાટોત્સવ ઉજવણી સંદર્ભે ભારે ભાવ સાથે ઉમંગ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. સમગ્ર મંદિર પરિસરને આકર્ષક રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે.
રજત જયંતિ મહોત્સવને સફળ બનાવવા પંકજભાઈ બાબરીયા, મહેશભાઈ બાબરીયા, મિતેશભાઈ બાબરીયા, જીગરભાઈ બાબરીયા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.