ભાવનગરમાં હજુ ગયા અઠવાડીયે ડી.જી.જી.આઇ. અને સીજીએસટીએ દરોડા કરી મોટી કાર્યવાહી કરી છે ત્યાં આજે ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ મહેમાન બન્યું છે. શહેરમાં આજે સવારથી ૧૦ જેટલા સ્થળોએ સામુહિક દરોડા કરી મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યાંની વિગતો મળી રહી છે. જાે કે, હાલ કાર્યવાહી ચાલુ છે આથી દરોડા પૂર્ણ થયા બાદ સત્તાવાર વિગતો જાહેર થશે પરંતુ હાલ સુત્રોથી વિગતો પ્રાપ્ત થઇ છે તે મુજબ શહેરના શિશુવિહાર, કુંભારવાડા માઢીયા રોડ તથા વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝ અને નારીરોડ પર આઇ.ટી. વિભાગની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ ઉપરાંત અલંગમાં પણ કાર્યવાહી થઇ રહ્યાનું સામે આવ્યું છે.
ભાવનગરમાં ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા આજે વહેલી સવારથી જુદી જુદી ટીમોએ શિશુવિહારમાં ૭ જેટલા સ્થળોએ તેમજ કુંભારવાડા માઢીયા રોડ, નારી રોડ, વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝ તેમજ અલંગ શિપયાર્ડ ખાતે દરોડા કર્યાં છે. મળતી માહિતી મુજબ બરોડા, સુરત અને ભાવનગરની ટીમો આ દરોડામાં જાેડાઇ છે. શિપ બ્રેકર્સ ઉપરાંત સ્ક્રેપના ધંધાર્થીઓ તેમજ મરીન અને મિકેનીકના ધંધાર્થીઓ આઇ.ટી.ની ઝપટે ચડ્યા હોવાનું સામે આવ્યું છે. હાલાકી ઇન્કમટેક્ષ વિભાગે ખાનગી રાહે દરોડા કરી અને તપાસ આગળ ધપાવી છે. હાલ કાર્યવાહી ચાલુ હોવાથી સાંજે અથવા તો આવતીકાલે સત્તાવાર વિગતો જાહેર થશે તેમ માનવું છે. ભાવનગરમાં આઇ.ટી. વિભાગના મેગા ઓપરેશનના પગલે સબંધિતોમાં ખળભળાટ મચી ગયો હતો.