૭૪માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સામાજિક ન્યાય અને અધિકારીતા,મહિલા અને બાળ કલ્યાણ કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં તળાજા ખાતેનાં આઇ.ટી.આઇ. ખાતે સવારે ૯ઃ૦૦ કલાકે યોજાનાર છે.
આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેનું રિહર્સલ જિલ્લા કલેક્ટર ડી.કે.પારેખની રાહબરી હેઠળ તળાજા આઇ.ટી.આઇ. ખાતે યોજવામાં આવ્યું હતું.
આ રિહર્સલમાં કલેક્ટરે મંત્રીનું આગમન, ધ્વજવંદન, પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, મંત્રી દ્વારા ઉદબોધન, વૃક્ષારોપણ સહિતનાં આયોજનોનું રિહર્સલ નિહાળી નિરીક્ષણ કર્યું હતું.
કલેકટરે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા યોજાનાર પરેડ નિહાળી હતી. આ ઉપરાંત કાર્યક્રમનાં દિવસે પદાધિકારી, અધિકારીઓ, પત્રકારો, નાગરીકો વગેરેની બેઠક વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી આ માટેની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા માટેની સુચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી.
જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તમામ તૈયારીઓ સંપન્ન કરી તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રિહર્સલમાં ટ્રાફિક પોલીસ, પુરૂષ પોલીસ ટુકડી, મહિલા પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી, મહિલા હોમગાર્ડ, ઘોડેસવાર યુનિટ, મ્યૂઝિક પ્લાટુન, એન.સી.સી. કેડેટ્સ, સ્ટુડન્ટ પોલિસ કેડેટ્સ સહિતની ટૂકડીઓ દ્રારા પરેડ યોજવામાં આવી હતી.આ પ્રસંગે પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ, તળાજા પ્રાંત અધિકારી વિકાસ રાતડા, ઇ.ચા. તળાજા મામલાદાર કિરણભાઈ ગોહિલ સહિતનાં જિલ્લાનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.