દેશમાં રંગેમંચે 74મું પ્રજાસત્તાક પર્વ ઉજવાશે. પરેડમાં સશસ્ત્ર દળો, સેન્ટ્રલ પેરા મિલિટરી ફોર્સ, દિલ્હી પોલીસ, NCC, NSS, પાઇપ્સ અને ડ્રમ્સ બેન્ડની 16 માર્ચિંગ ટુકડીઓ હશે. વિવિધ રાજ્યો, ડિપાર્ટમેન્ટ્સ અને સશસ્ત્ર દળો 27 ઝાંખીઓ રજૂ કરશે. આ પ્રજાસત્તાક દિવસની પરેડમાં માત્ર મેડ ઈન ઈન્ડિયા એટલે કે સ્વદેશી શસ્ત્રો પ્રદર્શિત કરવામાં આવશે. દારૂગોળો પણ સ્વદેશી હશે. ભારતમાં બનેલી 105 mmની ઈન્ડિયન ફીલ્ડ ગનમાંથી 21 તોપોની સલામી આપવામાં આવશે. નવા ભરતી થયેલા અગ્નિવીર પણ પરેડનો ભાગ બનશે. તો, BSFની કેમલ કન્ટિન્જેન્ટના ભાગરૂપે મહિલા સૈનિકો ભાગ લેશે અને નૌકાદળની ટુકડીના 144 સૈનિકોની લીડર પણ મહિલાઓ જ હશે.
ભારતીય સેનાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે પરેડના ચીફ ગેસ્ટ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ સીસી હશે અને ઇજિપ્તની સેનાની ટુકડી પણ પરેડમાં માર્ચ પાસ્ટ કરશે. આ વર્ષે આર્મીનું પ્રતિનિધિત્વ 61 કેવેલરીના માઉન્ટેડ કોલમ્સ, 9 મિકેનાઇઝ્ડ કોલમ્સ, 6 માર્ચિંગ કન્ટિજન્ટ્સ અને આર્મી એવિએશનના હેલિકોપ્ટર પણ ફ્લાય પાસ્ટ કરશે. 3 પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતા અને 3 અશોક ચક્ર પુરસ્કાર વિજેતાઓ પણ આ વર્ષે પરેડમાં ભાગ લેશે.
દિલ્હી એરિયાના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ ભાવિશ કુમારે જણાવ્યું હતું કે ‘આત્મનિર્ભર ભારત’ના ભાગરૂપે સેના ઘણા સ્વદેશી ઇક્વિપમેન્ટ્સ પ્રદર્શિત કરશે. આ પરેડમાં K-9 વજ્ર હોવિટ્ઝર્સ, MBT અર્જુન, નાગ એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઈલ, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ, આકાશ એર ડિફેન્સ મિસાઈલ અને ક્વિક રિએક્શન ફાઈટિંગ વ્હીકલ સામેલ હશે. દેશમાં બનેલી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડ પણ એરફોર્સના ફ્લાઇપાસ્ટનો એક ભાગ હશે. તો, એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ધ્રુવ અને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર રુદ્ર પણ ડિસ્પ્લેનો ભાગ હશે. એક લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડ રચનાનું નેતૃત્વ કરશે, જ્યારે બે અપાચે હેલિકોપ્ટર અને બે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર MK-IV એરક્રાફ્ટ તીર રચનાના ફોર્મેનશનમાં રહેશે.
બોર્ડર સિક્યોરિટી ફોર્સની કેમલ કન્ટિજેન્ટમાં પહેલીવાર મહિલાઓને સામેલ કરવામાં આવી છે. તો, એક મહિલા અધિકારી, કોર્પ્સ ઓફ સિગ્નલની મોટરસાઇકલ રાઇડર્સ ‘ડેરડેવિલ્સ’ની ટીમનું નેતૃત્વ પણ કરશે. આવું પહેલીવાર બનશે. લેફ્ટનન્ટ ચેતના શર્માએ જણાવ્યું હતું કે ભારત ડાયનેમિક્સ અને DRDOએ બનાવેલી ડિઝાઇન અને આકાશ મિસાઇલ સિસ્ટમ આજે સૌથી એડવાન્સ વેપન્સ સિસ્ટમમાં સામેલ છે. કેપ્ટન શિવશીશ સોલંકીએ કહ્યું હતું કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં તેમની રેજિમેન્ટ અને એન્જિનિયર કોરને રજૂ કરવું તેમના માટે ખૂબ ગર્વ અને આદરની બાબત છે.
ભારતે આ પ્રજાસત્તાક દિવસ પર ઈજિપ્તના પ્રેસિડન્ટ સીસીને મુખ્ય મહેમાન બનાવ્યાં છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તહ અલ-સિસી નવી દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે ભારતમાં ઈતિહાસમાં આ પહેલી વાર છે કે જ્યારે કોઈ મુસ્લિમ દેશના પ્રેસિડન્ટ પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન બનીને ભારત આવ્યાં હોય. મહ્ત્વનું છે કે સિસીને ઇજિપ્તમાં એક પ્રભાવશાળી નેતા માનવામાં આવે છે જેમણે દેશમાં રાજકીય સ્થિરતા ઉભી કરી છે. કહેવાય છે કે ઇજિપ્તની સત્તા પર સિસીની પકડ લોઢા જેટલી મજબૂત છે. રાષ્ટ્રપતિ બન્યા પહેલા સિસી ઈજિપ્તના આર્મી ચીફ હતા, જેમણે જુલાઈ 2013માં રાષ્ટ્રપતિ મોહમ્મદ મોર્સીને પદભ્રષ્ટ કર્યા હતા. એક વર્ષ બાદ તેઓ પોતે ઈજિપ્તના રાષ્ટ્રપતિ બન્યા. સિસીનો જન્મ 1954માં કૈરોના ગામલેયા વિસ્તારમાં થયો હતો. સિસીનો પરિવાર એક ધાર્મિક પરિવાર હતો જે ઇસ્લામમાં વિશ્વાસ રાખતો હતો. તેના પિતા ફર્નિચરના કામદાર તરીકે કામ કરતા હતા અને પરિવાર ચલાવવા માટે પૂરતી કમાણી કરતા હતા. સી.સી. વાંચવામાં ખૂબ જ સારો હતો અને બાળપણથી જ તે સૈન્ય તરફ વલણ ધરાવતો હતો.