બોલિવૂડનો બાદશાહ 4 વર્ષ બાદ મોટા પર્દા પર પરત ફર્યો છે અને ચારેબાજુ તેની ફિલ્મ ‘પઠાણ’ છાવાઈ ગઈ છે. એક્શન એન્ટરટેઈનર પઠાણ સાથે પરત ફરતા શાહરૂખે તેના શાનદાર બોક્સ ઓફિસ કલેક્શન સાથે ઈતિહાસ રચ્યો હતો. પઠાણે ભારતમાં પ્રથમ દિવસે 54 કરોડના પ્રભાવશાળી આંકડા સાથે ઓપનિંગ કર્યું હતું. હવે પઠાણ ભારતીય સિનેમાની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે. માત્ર સ્થાનિક બજારમાં જ નહીં પરંતુ વિશ્વભરની બોક્સ ઓફિસ પર પણ પઠાણનો ડંકો વાગી રહ્યો છે. શાહરુખની ફિલ્મે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 100 કરોડની કમાણી કરી છે.
ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વીટ કરીને પઠાણના પહેલા દિવસના કલેક્શન વિશે માહિતી આપી છે. તેમણે લખ્યું હતું કે, પઠાણે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુની કમાણી કરી છે. શાહરૂખ ખાને આ ફિલ્મથી UAE અને સિંગાપોરમાં નંબર 1 ડેબ્યૂ કર્યું છે. પઠાણે બુધવાર બપોર સુધી ન્યુઝીલેન્ડમાં $110,000 ઓસ્ટ્રેલિયામાં $600K અને USAમાં $1 મિલિયનની કમાણી કરી હતી.
ટ્રેડ એનાલિસ્ટના આ ટ્વિટ પર લોકોના ફની રિએક્શન આવી રહ્યા છે. લોકો પઠાણને KGFનો બાપ કહી રહ્યા છે પરંતુ પઠાણ પ્રથમ દિવસના વિશ્વવ્યાપી કલેક્શનમાં KGF 2 સાથે સ્પર્ધા કરી શક્યો નથી. KGF 2એ પ્રથમ દિવસે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર 150 કરોડનું કલેક્શન કર્યું હતું. બીજી તરફ, RRR એ ફર્સ્ટ ડે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 223 કરોડ અને બાહુબલી 2 એ 200 કરોડનું કલેક્શન કર્યું હતું.






