આ વર્ષે જમ્મુ-કાશ્મીર સહિત 10 રાજયોમાં ધારાસભા ચૂંટણીમાં તથા આગામી વર્ષના પ્રારંભમાં લોકસભા ચૂંટણીઓ યોજાશે તે પુર્વે ઈન્ડીયા ટુડેના સર્વેમાં દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથને પ્રથમ નંબર મળ્યો છે જયારે બીજા ક્રમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવ્યા છે.
ઈન્ડીયા ટુ ડે સી વોટરના સર્વેમાં લોકોનો આ ઈલેકશન વર્ષમાં મૂડ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેના પરથી લોકસભા ચૂંટણીમાં ફરી કોની સરકાર બનશે. તે ચિત્ર બનાવવાનો પ્રયાસ થયો હતો. દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રીમાં ઉતરપ્રદેશના યોગી આદીત્યનાથને 39% લોકોએ પસંદ કર્યા હતા. બીજા ક્રમે 16% મતો સાથે અરવિંદ કેજરીવાલ આવ્યા છે જયારે પ.બંગાળના મમતા બેનરજી અને તામિલનાડુના એમ.કે.સ્તાલીનને 7-7% મતો મળ્યા હતા અને તે બાદના ક્રમે રહ્યા હતા અને ઓડીસાના નવિન પટનાયક તથા આસામના હિમંતા બિશ્વા સરમા એ બાદના ક્રમે રહ્યા છે.
સૌથી મહત્વનું એ છે કે, ભારત જોડો યાત્રા મારફત ફરી દેશના રાજકારણમાં સ્થાન મેળવવાની કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની આ કવાયત ફલોપ જઈ રહી છે. દેશમાં વિપક્ષી નેતા તરીકે કોને પસંદ કરવા તે માટે લોકોની પ્રથમ પસંદગી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બની રહ્યા છે. જો કે લોકસભા ચૂંટણીમાં તો ભાજપ જ 2024માં મેદાન મારશે તે નિશ્ચિત છે અને આ પક્ષ જે 350 બેઠકોના લક્ષ્યાંક રાખે છે પણ આ સર્વેમાં ભાજપને 284 બેઠકો મળશે તેવું અને કોંગ્રેસ પક્ષ હવે લોકસભામાં વિપક્ષનું નેતાપદ મેળવી શકે તે રીતે 68 બેઠકો જીતશે અને અન્યના ખાતામાં 191 બેઠકો આવશે.
આમ સર્વસંમત વિપક્ષી નેતાની રેસમાં રાહુલ ગાંધીએ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે સ્પર્ધા કરવી પડશે. 37% લોકોનું માનવું છે કે, ભારત જોડો યાત્રાથી એક વાતાવરણ બનાવવામાં રાહુલ ગાંધીને મદદ આપી છે પણ તે મતમાં કેટલી પરિવર્તિત થશે તે પ્રશ્ન છે. 2024માં મોદી સરકાર સામે કોઈ મોટો પડકાર નથી તેવું 47% લોકો માને છે.






