રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. સવારે અને રાત્રે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની સાથે કોલ્ડવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાતમાં ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે. મહત્વનું છે કે, ગઈકાલે મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. મોડી રાત્રે ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં ઠંડી-માવઠાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી પડી શકે છે. બનાસકાંઠા, પાટણ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, મહીસાગર અને દાહોદમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા વરસાદની સંભાવના છે. એટલું જ નહીં આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૂકા અને ઠંડા પવનો ફૂંકાશે. સાથે પવનોની ગતિ ઉત્તર પૂર્વીય જોવા મળશે તેમજ કમોસમી વરસાદ પડે તો પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે.
હવામાન વિભાગે વરસાદ અને ભારે પવનને લઈ આગાહી કરી છે, તેમજ આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હવામાન વિભાગે એકથી બે દિવસ કોલ્ડવેવની આગાહી પણ કરી છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કચ્છ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથમાં ભારે ઠંડી પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ગુજરાતમાં હવામાનમાં ફેરફાર થવાની અને કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે. અમદાવાદમાં પણ માવઠાની અસર જોવા મળશે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે અમુક જગ્યાએ વરસાદના છાંટા પડી શકે છે.