ભાવનગર સહિત રાજ્ય અને દેશમાં રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ,અધિકારીઓએ આગામી ૩૦ અને ૩૧મીના હડતાલ પર જવા એલાન આપ્યું હતું જે હવે હડતાલ મુલતવી રહી છે. બેંકર્સ તેમની વિવિધ માંગણીઓને લઈને સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરતા રહ્યા છે પરંતુ સંતોષકારક ઉકેલ નહીં આવતા આખરે ૩૦ અને ૩૧મી જાન્યુઆરી એમ બે દિવસ બેંક હડતાલનું એલાન કરાયું હતું. આજે શનિવારે અને કાલે રવિવારે બેંકમાં રજા છે જ્યારે સોમવાર અને મંગળવારે હડતાલ કરવા આપેલી ચીમકીના કારણે એક સાથે ચાર દિવસ બેંકિંગ વ્યવહાર ઠપ્પ થવાનો હતો પરંતુ બેંક યુનિયનના જણાવ્યા મુજબ ગવર્મેન્ટ સમાધાનની ફોર્મ્યુલા પર વાતચીત કરવા માટે તૈયાર થતા હાલ તુરંત હડતાલનું શસ્ત્ર મ્યાન કરી લેવાયું છે. આમ, હવે સોમવારે અને મંગળવારે બેંકમાં કામકાજ રાબેતા મુજબ શરૂ રહેશે.