ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરાયા બાદ GPSCએ પરીક્ષાને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં મદદનીશ ઈજનેર વર્ગ-2ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 26 ફેબ્રુઆરીના રોજ GPSC દ્વારા પ્રાથમિક કસોટી લેવાનું આયોજન કરાયું હતું. પરંતુ 26 ફેબ્રુઆરીએ સ્ટાફ સિલેક્શન કમીટીની પરીક્ષા હોવાથી તારીખ બદલવામાં આવી છે. આ મામલે GPSC મદદનીશ ઈજનેરની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. તેમ સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.
અગાઉ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2023-24 નાં વર્ષનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતી.. જેમાં વર્ષ 2023 માં યોજાનારી તમામ ભરતી ક્યાં સમયગાળામાં યોજાશે તેની તમામ વિગતો દર્શાવવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નવા વર્ષના મે મહિનામાં કુલ 12 પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં નાયબ નિયામક, કાયદા અધિક્ષક, ટેકનિકલ ઓફિસર સહિતની અનેક ભરતી યોજાનાર છે. ત્યારે જૂન 2023 માં કુલ 15 અલગ-અલગ જગ્યાઓ પર પરીક્ષા લેવામાં આવશે. જ્યારે જુલાઈ મહિનામાં 19 જેટલી જગ્યાઓ પર પરીક્ષા લેવાશે.
ઓગષ્ટથી ડિસેમ્બર સુધી પણ પરીક્ષા લેવામાં આવશે
ઓગષ્ટ મહિનામાં 6 જગ્યાઓ માટે પરીક્ષા યોજાશે. સપ્ટેમ્બર મહિનામાં 14 જેટલી અલગ અલગ પરીક્ષા લેવામાં આવશે. ઓક્ટોમ્બરમાં પણ 14 જેટલી પરીક્ષા લેવામાં આવશે. ત્યારે નવેમ્બર મહિનામાં કુલ 7 જેટલી પરીક્ષાઓનું આયોજન GPSC દ્વારા લેવામાં આવનાર છે. વધુમાં ડિસેમ્બર મહિનામાં પણ 13 જેટલી પરીક્ષા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવનાર છે.