જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપરલીંક મામલે ગુજરાત એટીએસ દ્વારા એક પછી એક તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. પેપરલીંક કૌભાંડનો મુખ્ય આરોપી જીત નાયકને હૈદરાબાદથી ગુજરાત લાવવામાં આવ્યો હતો. ત્યારે પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા જીત નાયકે પેપર ચોરી કરી પ્રદીપને આપ્યું હતું. ગુજરાત એટીએસ હજુ પણ આ કેસમાં એક વોન્ટેડ આરોપીને શોધી રહી છે.
જુનિયર ક્લાર્ક પેપરલીંક કૌભાંડ મામલે એટીએસની ટીમ દ્વારા સ્ટેકવાઈસ ટેકનોલોજી કોચિંગ સેન્ટર પર પહોંચી છે. જ્યાં કોચિંગ સેન્ટરની અંદર એટીએસના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. આરોપીઓના રિમાન્ડ મળ્યા બાદ એટીએસ દ્વારા કોચિંગ સેન્ટર પર તપાસ કરવામાં આવી રહી છે.
કોર્ટ દ્વારા આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા
રાજ્યના લાખો બેરોજગાર યુવાઓને રાતે પાણીએ રોવડાવનાર પેપરકાંડના આરોપીઓને વડોદરા કોર્ટમાં રજૂ કરાયા હતા. વડોદરાની કોર્ટમાં 15 આરોપીઓને રજૂ કરાયા હતા. ATS દ્વારા ઉલટ તપાસની 14 દિવસના રિમાન્ડની માંગ સાથે આરોપીઓએ કોર્ટમાં લઈ જવાયા હતા. કોર્ટ દ્વારા આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે. 10 ફેબ્રુઆરી સુધી 15 આરોપીઓના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં નવા ધડાકા ભડાકા થઈ શકે છે. વકીલના જણાવ્યા અનુસાર પ્રદીપ નાયક અને ટોળકી રૂ.7 થી 9 લાખમાં પેપર વેચતા હતા.