અમેરિકન ફોરેન્સિક ફાઇનાન્શિયલ કંપની હિંડનબર્ગ દ્વારા જારી કરાયેલા સંશોધન અહેવાલમાં અદાણી ગ્રુપ દ્વારા સતત સ્પષ્ટતા કરવામાં આવી રહી છે. હવે અદાણી ગ્રુપના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (CFO) જુગશિન્દર ‘રોબી’ સિંહનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે આ રિપોર્ટને જુઠ્ઠાણાનો બોક્સ ગણાવ્યો છે. તેમજ આ સમગ્ર ઘટનાને જલિયાવાલા બાગ હત્યાકાંડ સાથે સરખાવી છે.
અદાણી ગ્રૂપના સીએફઓ જુગશિન્દર ‘રોબી’ સિંઘે અદાણી ગ્રૂપના શેરો પર હિંડનબર્ગના અહેવાલ પછી જલિયાવાલા બાગ હત્યાકાંડનો ઉલ્લેખ કર્યો હતો. મિન્ટ બિઝનેસ ડેઈલી દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું કે, શું હિંડનબર્ગ રિપોર્ટને શેરબજાર માને છે તે હકીકતે તમને નિરાશ કર્યા છે? આ સવાલના જવાબમાં ગ્રુપના CFOએ કહ્યું કે, હું ઈતિહાસનો વિદ્યાર્થી છું અને પંજાબથી આવ્યો છું. આ વાતાવરણ મને આશ્ચર્યચકિત કરતું નથી. જલિયાવાલા બાગમાં માત્ર એક અંગ્રેજે આદેશ આપ્યો અને માત્ર ભારતીયોએ અન્ય ભારતીયો પર ગોળીબાર કર્યો. તે મારા રાજ્યમાં થયું, અને અમને તે દિવસ યાદ છે. આ જ કારણ છે કે મને આ વાતાવરણમાં નવાઈ નથી લાગતી.
રવિવારે મોડી સાંજે અદાણી ગ્રુપે હિંડનબર્ગના આરોપોનો 413 પાનાનો જવાબ આપ્યો હતો. અદાણી જૂથે આ અહેવાલને ‘ભારત પર ગણતરીપૂર્વકનો હુમલો’ ગણાવ્યો છે. તેના જવાબમાં અદાણી ગ્રૂપે કહ્યું કે, આ માત્ર કોઈ ચોક્કસ કંપની પર બિનજરૂરી હુમલો નથી, પરંતુ ભારત, ભારતીય સંસ્થાઓની સ્વતંત્રતા, અખંડિતતા, ગુણવત્તા, વૃદ્ધિની વાર્તા અને મહત્વાકાંક્ષા પર વ્યવસ્થિત હુમલો છે. આના પર હિંડનબર્ગે ફરી એક વખત નિવેદન જારી કરીને કહ્યું કે, રાષ્ટ્રવાદ છેતરપિંડીને ઢાંકી શકતો નથી. હિંડનબર્ગે તેના જવાબમાં કહ્યું, અદાણી ગ્રૂપે તેના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં ઝડપી વધારાને ભારતની સફળતા સાથે જોડવાનો પ્રયાસ કર્યો. ભારત ઉજ્જવળ ભવિષ્ય સાથે ઉભરતો સુપર પાવર લોકશાહી દેશ છે. અમને લાગે છે કે અદાણી ગ્રુપ તેને પાછળ ધકેલી રહ્યું છે. આ ગ્રૂપે તિરંગામાં છુપાઈને દેશને વ્યવસ્થિત રીતે લૂંટ્યો છે.