આજે ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે વિવિધ નામોને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. અતુલ કરવાલ કે સંજય શ્રીવાસ્તવને ચાર્જ સોંપાઇ શકે છે.
31 જાન્યુઆરીના રોજ એટલે કે આજે ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જે દરમિયાનમાં હવે આ પદ પર કયા અધિકારીને મુકવામાં આવશે તેને લઈને ચર્ચાઓનો દૌર ચાલી રહ્યો છે. આજે આ ચર્ચાઓનો અંત આવી શકે છે. આજે ગુજરાત રાજ્યના પોલીસ વડાના નામની જાહેરાત થશે તે નક્કી મનાય છે.
ગુજરાતના નવા ડીજીપી તરીકેનો પદભાર કોને મળશે તે માટે વિવિધ ચર્ચાઓ ચાલી છે. આ રેસમાં સૌથી આગળ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને 1988 બેચના IPS અધિકારી અતુલ કરવાલનું નામ ચાલી રહ્યું છે. મહત્વનું છે કે, અતુલ કરવાલ હાલ DG NDRF તરીકે ફરજ બજાવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ડીજીપીનો ચાર્જ સોંપવામાં આવી શકે છે. જોકે હાલની સ્થિતિ એવી છે કે સંજય શ્રીવાસ્તવ પણ ત્રણેક મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છે. એવામાં સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે કે મુખ્ય ડીજીપી તરીકે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે તેમની નિવૃત્તિને ઓછામાં ઓછા 6 મહિના બાકી હોવા જોઈએ. જેથી 3 મહિના માટે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ડીજીપીનો ચાર્જ સોંપવામાં આવે તેવી પણ શકયતા છે. જોકે, સરકાર હાલ શું નિર્ધારિત કરે છે તે કહેવું જરૂર મુશ્કેલ છે.
મહત્વનું છે કે ગુજરાતના DGP આશિષ ભાટિયાનો કાર્યકાળ 8 મહિનાનું એક્સેન્ટેશન આપી લંબાવાયો હતો, જે બાદ તેમનો 31 જાન્યુઆરીના રોજ એક્સેન્ટેશનનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે. નવા ડીજીપી તરીકે સંજય શ્રીવાસ્તવનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. એ પણ જણાવી દઈએ કે, શિવાનંદ ઝાની નિવૃત્તી બાદ IPS આશિષ ભાટિયાની 31મી જુલાઈ 2020ના રોજ રાજ્ય પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. IPS આશિષ ભાટિયા 1985 બેંચના IPS અધિકારી છે.