આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. સત્રની શરૂઆત સવારે 11 વાગ્યે સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધન કરતા કહ્યું હતું કે દેશ વિકાસનાં મંત્ર સાથે આગળ વધી રહ્યો છે.
સંસદમાં રાષ્ટ્રપતિએ સંબોધન કરતા કહ્યું- આપણી સામે યુગ નિર્માણની તક છે. આ માટે સંપુર્ણ કાર્યક્ષમતા સાથે કામ કરવાનું છે. આપણે 2047 સુધીમાં એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે, જેમાં ભૂતકાળનું ગોરવ અને આધુનિકતાનો દરેક સ્વર્ણિમ અધ્યાય હોય. આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે. દેશમાં ગરીબી ન હોય, મધ્યમ વર્ગ વૈભવથી સમૃદ્ધ હોય. યુવા સમયથી બે ડગલા આગળ ચાલતો હોય, એવું ભારત હોય.
આ પછી નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વે રજૂ કરશે. સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે સંસદમાં રજૂ કરવામાં આવશે. જણાવી દઈએ કે મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. મોદી સરકારે 2014થી અત્યાર સુધીમાં કુલ 9 બજેટ રજૂ કર્યા છે અને આ વર્ષે 10મું બજેટ રજૂ કરવા જઈ રહી છે.
આજે સંસદનું બજેટ સત્ર શરુ થતાં પહેલા વડાપ્રધાન મોદીએ મીડિયાને સંબોધન કર્યું હતુ. મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે આજે દેશની અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સંદેશ આવ્યો છે. તેમણે કહ્યું કે આજે રાષ્ટ્રપતિનું અભિભાષણ પણ થશે જે દેશ માટે ગોરવની વાત હશે.
સંસદના બજેટ સત્રનો પહેલો ભાગ 31 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ પછી 14 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી રજા રહેશે. જ્યારે, બજેટ સત્રનો બીજો ભાગ 13 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલશે. બીજા તબક્કામાં ફાઇનાન્સ બિલ પર સંસદના બંને ગૃહોમાં ચર્ચા થશે, ત્યારબાદ બિલને બંને ગૃહોમાં પસાર કરવામાં આવશે. 31 જાન્યુઆરીથી 6 એપ્રિલ સુધી કુલ 66 દિવસમાં (રજા સહિત) કુલ 27 બેઠકો થશે.
6.5% વૃદ્ધિ દર રહેવાનો અંદાજ
ન્યૂઝ એજન્સી રોયટર્સે આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ 2023-24 માટે GDP વૃદ્ધિ દર 6-6.8% રહેવાનો અંદાજ મૂક્યો છે. વર્તમાન પરિસ્થિતિમાં સરકાર નાણાકીય વર્ષ માટે 6.5% વૃદ્ધિ દરનો અંદાજ લગાવી શકે છે. છેલ્લા 3 વર્ષમાં આ સૌથી ધીમી વૃદ્ધિ હશે. જ્યારે, નોમિનલ ગ્રોથ 11% હોવાનો અંદાજ છે. ગયા વર્ષે, આર્થિક સર્વેક્ષણમાં, નાણાકીય વર્ષ 2022-23 માટે 8-8.5% ની જીડીપી વૃદ્ધિ (આર્થિક વૃદ્ધિ દર) અંદાજવામાં આવ્યો હતો.