ઝારખંડના કોલનગરી તરીકે ઓળખાતા ધનબાદ શહેરના જોરાફાટક આશીર્વાદ ટાવરમાં આગની મોટી ઘટના બની છે. આગની આ ઘટનામાં 13 લોકોના કરૂણ મોત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ, ટાવરમાં 50થી વધુ લોકો ફસાયેલા છે જેમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી 13 મૃતકોમાંથી 7 મહિલાઓ જણાવવામાં આવી રહી છે. ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલુ છે, લોકોને બહાર કાઢવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યાં આગ લાગી તે બિલ્ડિંગમાં એક ડઝન એમ્બ્યુલન્સ, પાંચ ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચી ગયા છે. સ્થળ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ છે અને અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક પોલીસ અને પ્રશાસન લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં લાગેલા છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ SSP સંજીવ કુમાર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગ કેવી રીતે લાગી તે હાલ સ્પષ્ટ નથી. આ મામલે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.






