ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ટી-20 અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ T-20 મેચમાં ભારતનો શાનદાર વિજય થયો હતો. ભારતે ન્યુઝીલેન્ડને 168 રને કારમો પરાજય આપ્યો હતો. ભારતે પહેલા તો બેટિંગમાં જ એક જંગી સ્કોર ખડકી દીધો હતો. જેમાં શુભમન ગિલની સદીનો સમાવેશ પણ થાય છે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતી લીધો હતો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ઇન ફોર્મ બેટ્સમેન શુભમન ગિલે વધુ એક સદી ફટકારી દીધી છે. ભારતની ટીમને સારી શરૂઆત અપાવનાર શુભમન ગિલે એક છેડો સંભાળીને ટીમના સ્કોરને પણ 200 ને પાર પહોંચાડી દીધો હતો.
ટાર્ગેટનો પીછો કરવા માટે મુલાકાતે આવેલી ન્યૂઝીલેન્ડની ટીમ ક્યારેય મેચમાં જીતની આસપાસ દેખાઈ ન હતી. તેની 5 વિકેટ માત્ર 21 રનમાં પડી ગઈ હતી. ટીમના 9 બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા ન હતા. ડેરીલ મિશેલે સૌથી વધુ 35 રન બનાવ્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આ સિવાય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ, ઉમરાન મલિક અને શિવમ માવીને પણ 2-2 વિકેટ મળી હતી.