સુરતમાં હવે લેડી ડોન ભૂરીને ટક્કર આપવા માટે ભાવિકાની એન્ટ્રી થઈ ચૂકી છે. કાપોદ્રા વિસ્તારમાં જાહેરમાં ચપ્પુ લઈને મારામારી અને ધાકધમકી આપતી ફરી રહી છે. મૂળ ભાવનગરના મહુવાના રહેવાસી ભાવના ઉર્ફે ભાવિકા અનિલભાઈ વાળા સુરતના પુણા વિસ્તારમાં આવેલા સીતાનગર ખાતે રહે છે. ભાવિકાનાં થોડાં વર્ષો પહેલાં જ લગ્ન થયાં હતાં. લગ્ન બાદ થોડો સમય લગ્નજીવન સરખી રીતે ચાલ્યું હતું. જોકે, ત્યારબાદ પતિ સાથે ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા. પતિ સાથેના ઝઘડાઓ એટલા વધી ગયા કે તેમણે દોઢ વર્ષ પહેલાં છૂટાછેડા લેવાનો વારો આવ્યો હતો.
એક વીડિયો વાઇરલ થતા ભૂરીની જેમ જ લેડી ડોન ભાવિકાને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. પોલીસ તપાસમાં આ વીડિયો કાપોદ્રા પુણાગામ સ્થિત નાલંદા સ્કૂલના ગેટ પાસેનો હોવાનું બહાર આવ્યું હતું. વીડિયોમાં દેખાતી યુવતી ભાવના ઉર્ફે ભાવિકા અનિલભાઈ વાળા હોવાનું બહાર આવ્યું હતું. જેથી કાપોદ્રા પોલીસે તપાસ કરી આ યુવતી અને તેના સાગરીત રાહુલ ઉર્ફે રામુ ઉર્ફે રામલો બાડો સુરેશભાઈ પરમારની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી કટાર જેવું ચપ્પું કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાહેર સ્થળ ઉપર વાહનચાલકોને હેરાન કરવામાં આવતા હતા અને રોફ જમાવીને કોઈને પણ રોકીને તેને ધમકી આપતા હતા. રસ્તે ચાલતાં ચાલતાં પણ હથિયાર બહાર કાઢીને લોકોને ધાક બતાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.
પોલીસ તપાસમાં યુવતી વિરુદ્ધ દમણમાં હત્યાના પ્રયાસ અને તેના સાગરીત સામે પુણા પોલીસ મથકમાં મારામારી અને દમણમાં હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓ ગત 26-11-2022ના રોજ દમણ ખાતે તેના બે મિત્રો સાથે ગયાં હતાં અને તે વખતે રોડ પર ફોર-વ્હીલરચાલક સાથે ઝઘડો થતા રોડ પર આવેલા હોટેલના માલિક સાથે મારામારી કરી છરાથી હુમલો કરી નાસી છૂટ્યા હતા અને તે મામલે દમણમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ઝડપાયેલો આરોપી રાહુલ ઉર્ફે રામુ બાડો રીઢો ગુનેગાર છે અને તેની સામે વરાછા, કાપોદ્રા, પુણા, ડુમ્મસ, અમરોલી પોલીસ મથક મળી કુલ 6 ગુના ભૂતકાળમાં નોંધાયેલા છે.






