ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે. આ સટ્ટાનો હિસાબ એક શહેરના કુલ બોર્ડના બજેટથી પણ વધારે છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી તો જાણવા મળ્યું કે, ગુજરાતના બે મોટા બુકી રાકેશ રાજદેવ (ઉર્ફે-આર. આર.) અને ટોમી પટેલ ઉર્ફે ઊંઝાની સર્કિટમાં એક સિઝનમાં 1,400 કરોડ રૂપિયાનો સટ્ટો ખેલાયો છે. જેનો હિસાબ પણ મળી ગયો છે. આ મોટા ગજાના શખ્સો દુબઈમાં આલીશાન જિંદગી જીવે છે, વિલામાં રહે છે, સૌથી મોંઘો દારૂ પીવે છે અને તમામ હદ વટાવે છે.
આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું કે, રાકેશ રાજદેવ (ઉર્ફે-આર. આર.) અને બોબી ઉજાના 1400 કરોડ રૂપિયાના સટ્ટાનો હિસાબ અમને મળ્યો છે. જેમાં હવાલા અને દુબઈમાં ડમી નામના બેન્ક એકાઉન્ટની ડિટેઇલ મળી છે. હવે તેમની સામે loc જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવમાં આવી છે.
ક્રિકેટ રમાય એટલે સામાન્ય રીતે કોણ હાર છે અને કોણ જીતશે તેનો સટ્ટો રમાય છે. પણ દરેક બાબતમાં જો સટ્ટો રમાડતા બુકીઓની પણ ગુજરાતમાં કમી નથી. આ શખ્સો અલગ અલગ સર્કિટમાં કામ કરે છે. કદાચ જીતુ થરાદની સર્કિટ હોય અથવા આર. આર.ની સર્કિટ દરેકની સર્કિટમાં જોડાયેલા પંટર અને સટોડીયાઓ સટ્ટો રમવામાં ચૂકતા નથી. હવે આ સટ્ટાનું રૂપ ટેકનોલોજીમાં કન્વર્ટ થઈ ગયું છે. જે પહેલા બોલતી બોબડી લાઈનથી ક્રિકેટ રમાડતા હતા. તેમાં ખાસ કરીને હવે મોબાઈલ એપ્લિકેશન મારફતે એકાઉન્ટ ખોલાવીને સટ્ટો રમાય છે. જેમાં સટોડીયાને ક્રેડિટ આપવામાં આવે છે. અથવા હાર-જીત બાદ એક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવતા હોય છે. અથવા એડવાન્સ રૂપિયા પણ જમા થતા હોય છે. પરંતુ આ તમામ હિસાબ ભારતમાં નહીં પણ એક રીતે મની લોન્ડરિંગ કહી શકાય તેમ વિદેશમાં જાય છે. એ હવાલા હોય કે ઓનલાઇન ટ્રાન્સફર હાલ સટ્ટા બજારનું આખું નેટવર્ક અલગ રીતે ચાલે છે.
ગુજરાતમાં ક્રિકેટ સટ્ટા પર અનેક લોકો દાવ ખેલતા હોય છે. જેમાં સૌથી મોટા બુકી ગુજરાતના હોય છે, જે વિદેશની ધરતી પર પૈસા ટ્રાન્સફર કરાવે છે. જેમાં એક વ્યક્તિનું અથવા કોઈ ડમી નામનું એકાઉન્ટ હોય છે. જે એકાઉન્ટ દુબઈ કે કોઈ અલગ જગ્યાએ હોય છે. જેમાં સટ્ટાનો હિસાબ ટ્રાન્સફર થાય છે. આ રૂપિયા વિદેશમાં ગયા પછી બુકી તે રૂપિયાથી ઐયાસી કરે છે.