અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડા વચ્ચે LICના ગ્રૂપમાં રોકાણ અને SBI દ્વારા આપવામાં આવેલી લોન પર નાણાપ્રધાન નિર્મલા સીતારમણની પ્રતિક્રિયા પહેલીવાર આવી છે. નાણામંત્રીએ કહ્યું કે અદાણી જૂથની કંપનીઓને એસબીઆઈ અને એલઆઈસીનું એક્સપોઝર મંજૂરીની મર્યાદામાં છે.
નાણામંત્રીએ આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, હું કહેવા માંગુ છું કે SBI અને LIC બંનેએ વિગતવાર નિવેદનો જારી કર્યા છે. બંનેના ચેરમેન અને સીએમડીએ વિગતવાર ખુલાસો કર્યો છે કે તેઓ (અદાણી જૂથમાં) વધારે પડતાં નથી. તેમણે એમ પણ કહ્યું કે તેમની (અદાણી જૂથ) પાસે જે પણ એક્સપોઝર છે, તે નફા પર બેઠા છે. અને વેલ્યુએશનમાં ઘટાડા પછી પણ તેઓ નફાકારક છે.
અદાણી જૂથમાં વૈશ્વિક રોકાણકારોના વેચાણ અને વર્તમાન પરિસ્થિતિમાં રોકાણ મોકૂફ રાખવાના પ્રશ્ન પર નાણામંત્રીએ વિદેશી રોકાણકારોને ખાતરી આપી હતી કે ભારતની વહીવટી વ્યવસ્થા ખૂબ જ મજબૂત છે. અહીં એક સ્થિર સરકાર તેમજ સારી રીતે નિયંત્રિત નાણાકીય બજાર છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે રોકાણકારોનો ભારત પર અગાઉ જે વિશ્વાસ હતો તે ભવિષ્યમાં પણ અકબંધ રહેશે. નાણામંત્રીએ કહ્યું કે અમારા રેગ્યુલેટર્સ વહીવટી બાબતોને લઈને ખૂબ જ કડક છે. એક ઘટના આપણા નાણાકીય બજાર પર પ્રશ્નો ઉભા કરી શકતી નથી. છેલ્લા દાયકામાં આપણે ઘણા પાઠ શીખ્યા છે.