પાલિતાણાના તળેટી વિસ્તારમાં આવેલ ચેન્નઈ ધર્મશાળાની સામેના ભાગની સર્વે નં.૩૩૪/૧ પૈકી ૨/૧/૧ અને ૩૩૧ પૈકી ૧માં સોની પરિવારની આશરે નવ વીઘા જેટલી ખેતીની સંયુક્ત જમીન આવેલી હોય,આ જમીન પર કેટલાક માથાભારે તત્ત્વો કબજાે કરી લેવા માંગતા હોય, સોની પરિવાર છેલ્લા કેટલાક દિવસથી રખેવાળી માટે ખેતીની જમીનમાં જ રહેતો હતો.ગુરૂવારે રાત્રિના સમયે જીજ્ઞોશભાઈ જયસુખભાઈ સતીકુવર,તેમના પિતા જયસુખભાઈ,કાકા નરેન્દ્રભાઈ અને સૂર્યકાંતભાઈ, ફઈબા દક્ષાબેન,ભાઈ ભાવિકભાઈ અને હાર્દિકભાઈ સહિતના પરિવારજનો ખેતીની જમીન સ્થળે હાજર હતા તે દરમિયાન કાળુ બાથાભાઈ મેર, કાળુનો દિકરો માનવ મેર, અભી મેર, મેહુલ ઉર્ફે ખબરી, મેહુલ મેર, લાલો ઉર્ફે દાઢી ભરવાડ અને અન્ય અજાણ્યા શખ્સોએ લાકડી, છરી જગેરે હથિયારો લઈ જમીનમાં અપપ્રવેશ કરી પરિવારને ગાળો દઈ પ્રથમ છુટા પથ્થરના ઘા કરી બાદમાં લાકડીઓ અને છરી વડે આડેધડ મારામારી-હુમલો કર્યા બાદ મારી નાંખવા ધમકી આપી મોબાઈલ ઝૂંટવી શખ્સો નાસી ગયા હતા.
મારામારીની આ ઘટનામાં ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે પ્રથમ પાલિતાણા અને ત્યારબાદ ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જમીનના મામલે પરિવાર પર થયેલા હુમલાની જાણ થતાં પાલિતાણા ટાઉન પોલીસનો કાફલો દોડી ગયો હતો.
આ બનાવ અંગે જીજ્ઞોશ સતીકુવરે કાળુ મેર, માનવ મેર તેમજ અભી મેર, મેહુલ ઉર્ફે ખબરી, મેહુલ મેર, લાલો ઉર્ફે દાઢી અને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પાલીતાણા પોલીસે પોલીસે આઈ.પી.સી. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૩૭, ૪૪૭, ૩૫૨, ૫૦૪, ૫૦૬ (ર) અને જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.