ભાવનગરના સિંધુનગર વિસ્તારમાં આવેલા કકુરામ મંદિર અને ભાઈ સાહેબ બખતરામ મંદિરમાં આજે વહેલી સવારે તસ્કરે હાથફેરો કર્યો હતો અને મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમ તેમજ ચીજવસ્તુની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.ચોરીની આ ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર શહેરના સિંધુનગર વિસ્તારમાં આવેલ કકુરામ મંદિર તેમજ ભાઈ સાહેબ બખતરામ મંદિરમાં આજે વહેલી સવારે કોઈ અજાણ્યો તસ્કર બંધ મંદિરના તાળા તોડી મંદિરમાં પ્રવેશ્યો હતો અને દાનપેટી તોડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દાનપેટી ન તૂટતાં મંદિરમાં રહેલી ચિજવસ્તુઓ ઉઠાવી હતી અને બાજુમાં આવેલ ભાઈ સાહેબ બખતરામ મંદિરમાં પ્રવેશી દાનપેટી તોડી રોકડ રકમની ચોરી ફરાર થઈ ગયો હતો.
મંદિરમાં ચોરી કરતો ઈસમ સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયો હતો.ચોરીની આઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા ઘોઘારોડ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
સિંધુનગરમાં આવેલ બંને મંદિરમાંથી અંદાજે રૂ. ૧૦ હજારની મત્તાની ચોરી થઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.