ભાવનગર નજીકના વરતેજ ગામમાં રહેતા ભરવાડ પરિવાર ઉપર નજીવી બાબતે ગામમાં રહેતા છ શખ્સોએ લોખંડની કુંડળી વાળી લાકડી, લોખંડનો પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરતા સગીર યુવતી,મહિલા સહિત ચાર વ્યક્તિને ઇજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વરતેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગે મળતી મુજબ વરતેજ ગામમાં રહેતા રામાભાઇ ગોવિંદભાઈ ભડીયાદરાએ રાજુભાઈ ગોકુળભાઈ ભોકળવાના પ્લોટમાં ઢોર બાંધવા માટે ખીલ્લા નાખ્યા હતા તે ખીલ્લા કાઢી નાખવા માટે રાજુભાઈના પિતા ગોકુળભાઈ ભોકળવાએ રામાભાઈને કહેતા રામાભાઈ અને મુન્નાભાઈએ ઉશ્કેરાઈ જઈ લાકડીના બે ઘા ઝીંકી દીધા હતા.
આ ઘટના બાદ ગોકુલભાઈ ઘરે આવ્યા હતા અને રામાભાઈ તેમજ મુન્નાભાઈએ લાકડી વડે માર માર્યાની વાત કરતા હતા તે દરમિયાન રામા ગોવિંદભાઈ, મુન્ના ભોપાભાઈ, મેહુલ રતાભાઇ, અજય નાથાભાઈ, ભગત ગોવિંદભાઈ અને ટીણા નાથાભાઈ કુંડલી વાળી લાકડી, લોખંડનો પાઇપ, ધોકા સહિતના હથિયારો સાથે ગોકુળભાઈના ઘરે ધસી આવ્યા હતા અને ગોકુળભાઈ, તેના પુત્ર રાજુભાઈ, રાજુભાઈના પત્ની કુંવરબેન અને દીકરી તનવીબેન ઉપર હથિયારો વડે તૂટી પડ્યા હતા. હુમલાની આ ઘટનામાં ઇજાગ્રત ગોકુળભાઈ, રાજુભાઈ, કુંવરબેન અને તન્વીબેનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે રાજુભાઈ ગોકુળભાઈ ભોકળવા એ છ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વરતેજ પોલીસે આઇપીસી કલમ ૩૨૬, ૩૨૫, ૩૨૩, ૪૫૨,૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.