ભાવનગરના જુનાબંદર, લાકડીયાપુલ નજીક આવે કાળાતળાવ રોડ પર વાહન અકસ્માતની ઘટનામાં શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા યુવાનનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના કુંભારવાડા, અમર સોસાયટીમાં રહેતા અને કાળાતળાવ પાસેની નિરમા કંપનીમાં ટ્રક ચલાવતા હરપાલસિંહ અજુભા મકવાણા (ઉં. વ. ૪૦ ) ગઈકાલે રાત્રિના સમયે નિરમાં કોલોનીથી પોતાનું મોટરસાઇકલ નં. જી.જે.૦૧ ઈ.ડી. ૫૬૦૧ લઈને ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે લાકડીયા પૂલ નજીક આવેલ રામાપીરના મંદિર પાસે અજાણ્યા ટ્રક સાથે બાઈકનો અકસ્માત થતા હરપાલસિંહ મકવાણાને ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે વેળાવદર ભાલ પોલીસે તપાસ હાથ ધરી હતી.